Wayanad Lok Sabha bypoll: કોંગ્રેસે સત્તાવાર રીતે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ચૂંટણી પંચે વાયનાડ સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આ જાહેરાત કરી છે. વાયનાડ ઉપરાંત પાર્ટીએ કેરળની બે વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે.
કેરળની વાયનાડ લોકસભા સીટને લઈને કોંગ્રેસે એક મોટો રાજકીય નિર્ણય લીધો છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડની પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર હશે. મંગળવારે (15 ઓક્ટોબર, 2024) મોડી સાંજે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
આ સીટ પરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉ તેમના ભાઈ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2024માં તેમણે બે સંસદીય બેઠકો વાયનાડ અને રાયબરેલી પરથી ચૂંટણી લડી અને બંનેમાં જીત મેળવી. જો કે, નિયમ મુજબ તેમણે બાદમાં એક સીટ છોડવી પડી હતી. આવી સ્થિતિમાં તેમણે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય લીધો અને રાયબરેલી સીટ પરથી સાંસદ રહ્યા હતા.
યુપીની રાયબરેલી બેઠક રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક હતી. ત્યાં તેમણે આ લોકસભા ચૂંટણીમાં દાવ અજમાવ્યો અને તેમનો દાવ સફળ રહ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ અમેઠી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અમેઠીમાં બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યા હતા, જ્યારે વાયનાડના લોકોએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલ્યા હતા.
2024ની ચૂંટણીમાં રાહુલે વાયનાડ અને રાયબરેલી બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. બાદમાં ખૂબ વિચાર-વિમર્શ પછી તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઇ રહી છે
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે જણાવ્યું કે વાયનાડ લોકસભા સીટ માટે પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે અને મત ગણતરી 23 નવેમ્બરે થશે.
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી