ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ મેળવવા માટે ઉમેદવારોએ આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે. હરિયાણા કૉંગ્રેસની અધ્યક્ષ કુમારી શૈલજાએ ટ્વિટ કરી એક સર્કુલર જાહેર કર્યું છે જેમાં લખ્યું છે કે જે વ્યક્તિ ખાદી પહેરતા હશે અને દારૂનું સેવન નહી કરતા હોય તેને જ આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે.


આ સાથે જ સામાન્ય વર્ગના ઉમેદવારોએ 5000 રૂપિયા, SC/ST અને મહિલાઓ માટે બે હજાર રૂપિયાની ફી પણ હરિયાણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીમાં જમા કરાવવી પડશે. હરિયાણા કૉંગ્રેસની અધ્યક્ષ કુમારી શૈલજાએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'હરિયાણા પ્રદેશ કૉંગ્રેસ કમિટિ દ્વારા 2018-22 સદસ્યતાના નવા ફોર્મ અને કૉંગ્રેસ પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છતા કૉંગ્રેસજનો માટે આવેદન પત્ર પ્રિન્ટ કરવામાં આવ્યા છે....જેનો નમૂનો નીચે આપવામાં આવી રહ્યો છે.'

આવેદન કરનારા લોકોએ ફોર્મ સાથે 325 રૂપિયાની ફી જમા કરવી પડશે. તેના માટે દિલ્હીમાં હરિયાણા કૉંગ્રેસના અધ્યક્ષના ઘરે પણ આવેદન આપી શકો છો. ચંદીગઢમાં કૉંગ્રેસ મુખ્ય કાર્યાલયમાં પણ આવેદન કરી શકો છો. આ સાથે જ પ્રદેશ કૉંગ્રેસ કમિટિને મેઈલ પણ મોકલી શકો છો.

હરિયાણા કૉંગ્રેસ તરફથી જે ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઉમેદવારોની જાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે પોતાની જાતિ બતાવીને જ તમે કૉંગ્રેસની ટિકિટ માટે આવેદન કરી શકો છો.