નવી દિલ્હી: હવામાન વિભાગે કેટલાક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વી રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સહિત પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે સ્થળે ભારે વરસાદ પડી શકે છે.


ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા, પંજાબના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સિવાય ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહારમાં છૂટ છટાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના પણ કેટલાક ભાગમાં હળવો વરસાદ હતો, વરસાદના કારણે દિલ્હીની કેટલીક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારમાં શનિવારે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગ અનુસાર, રવિવારે પણ રાજ્યના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારના અનેક સ્થળોએ ક્યારે ધોધમાર તો ક્યાંક હળવા વરસાદની શક્યતા છે.