દિલ્લી, કાશ્મીર મનાલીમાં કડકડતી ઠંડી સાથે વરસાદ શરૂ થતાં લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે કાશ્મીરમાં બરફ વર્ષાની આગાહી કરી છે. તો બીજી તરફ મનાલીમાં બરફ વર્ષાના કારણે અનેક પ્રવાસીઓ ફસાઇ ગયા છે.
દેશના પહાડી વિસ્તારમાં બરફ વર્ષા અને ઉત્તર ભારતમાં વરસાદના કેરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્લી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ તમામ રાજ્યોમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતાને જોતા યેલો એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં 8 જાન્યુઆરી સુધી હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. રાજધાની દિલ્લીમાં બરફના કરા પડવાની પણ શક્યતા જોવાઇ રહી છે.
દિલ્લી અને ગુરૂગ્રામમાં બુધવારની સવારે વરસાદ થયો. તો બીજી તરફ હાલ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે સાંજ સુધીમાં વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશ મનાલીમાં ભારે બરફવર્ષાના કારણે સેંકડો પ્રવાસી ફસાઇ ગયા છે. પ્રશાસન દ્વારા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી થઇ રહી છે. સોલંગનાલામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઇ ગયા છે. અહીં પણ ગઇકાલ બપોરે એક વાગ્યાથી બરફ વર્ષો થઇ રહી છે. બરફ વર્ષાના કારણે પ્રવાસીઓની ગાડીઓ પણ ફસાઇ ગઇ છે. હિમપાતના કારણે ફસાયેલા પ્રવાસીઓ મદદની માંગણી કરી રહ્યાં છે. તાપમાન શૂન્યથી નીચે પહોંચ્યું છે. સોલંગ નાલા મનાલીથી લગભગ 13 કિલોમીટર દૂર છે.