કોલકાતા: પશ્ચિમ બંગાળમાં CPI(M)ના વરિષ્ઠ નેતા શ્યામલ ચક્રવર્તીનું 76 વર્ષની ઉમરે નિધન થયું છે. તેમને 30 જુલાઈએ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


ટ્રેડ યુનિયનના જાણીતા નેતાના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટીએ દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું, “પૂર્વ નેતા, પૂર્વ સાંસદ અને બંગાળના પૂર્વ મંત્રી શ્યામલ ચક્રવર્તીના નિધનથી દુખી છું. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના.”

શ્યામલ વર્ષ 1982થી 1996 સુધી ત્રણ વખત ટ્રાન્સપોર્ટ મંત્રી રહ્યાં હતા. બે વખત રાજ્યસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, શ્યામલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા. જણાવી દઈએ કે, તેમની પુત્રી ઉશસી ચક્રવર્તી અભિનેત્રી છે.

બંગાળમાં કોરોનાથી જીવ ગુમાવનાર શ્યામલ બીજા નેતા છે. આ પેહલા ટીએમસી ધારાસભ્ય તમોનાશ ઘોષનું પણ કોરોનાથી મોત થયું હતું.