નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે.
મોદીની જાહેરાત સાથે ખેડૂત આંદોલનનો અંત આવી જશે એ સ્પષ્ટ છે ત્યારે મોદી સરકારે પસાર કરેલા આ ત્રણ કૃષિ કાયદા શું હતા એ જાણનું જરૂરી છે.મોદી સરકારે બનાવેલા આ ત્રણ કૃષિ કાયદા પૈકી પહેલા ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ હેઠળ કોઈ પણ કૃષિ ઉત્પાદનની ઓનલાઈન ખરીદી કાયદેસર બની જવાની હતી. આ કાયદા હેઠળ જેની પાસે પાન નંબર છે એવી કોઈ પણ વ્યક્તિ કે કંપની કૃષિ ઉત્પાદનોની સીધી ઓનલાઈન ખરીદી માટે પ્લેટફોર્મ બનાવી શકશે. તેની મદદથી તે ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી શકશે.
મોદી સરકારે બનાવેલા બીજા કૃષિ કાયદા ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ એક્ટ કોઈ પણ ખેડૂત સાથે જેની પાસે પાન નંબર છે એવી કોઈ પણ વ્યક્તિ કે કંપની કૃષિ ઉત્પાદનોની સીધી ખરીદી માટેનો કરાર કરી શકશે. આ કરારમાં કંપની કે વ્યક્તિ ખેડૂતને તેના ઉત્પાદન માટે જે ભાવ નક્કી કરશે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે ને એ ભાવે ખરીદી કરવાની ખાતરી આપવી પડશે.
મોદી સરકારે બનાવેલો ત્રીજો કૃષિ કાયદો એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) એક્ટ હતો. આ ખરડો મોદી સરકારના કહેવાતા કૃષિ સુધારાના પાયામાં છે. અત્યાર સુધી એસેન્શિયલ કોમોડિટિઝ એક્ટ હેઠળ કેટલાંક કૃષિ ઉત્પાદનોનો સંગર્હ કરી શકાતો નહોતો પણ મોદી સરકારના આ કાયદા દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો. મોદી સરકારનો દાવો હતો કે પોતે કૃષિ ક્ષેત્રમાં જે ઉદારીકરણ લાવવા માગે છે તે અંગેની તમામ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ખેડૂત અને તેનો માલ ખરીદનાર બંનેનાં આર્થિક હિતોને કાનૂની રીતે સંરક્ષણ આપવાથી માંડીને કૃષિ સુધારા હેઠળ બીજી જે પણ જોગવાઈઓ છે તેનો સમાવેશ આ કાયદામાં કરાયો છે. એસેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2020 દેશમાં કૃષિ ઉત્પાદનોની ખરીદ-વેચાણમાં નવા યુગની શરૂઆત કરશે એવો સરકારનો દાવો હતો.