નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશભરમાં જલ્દીજ વધુ એક કોરોના વેક્સિન આપવાનું શરુ થઈ જશે. ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક -વી(Sputnik-V)ની કિંમત નક્કી કરી દીધી છે. સ્પુતનિકની કિંમત 948 રૂપિયા હશે. જેના પર પાંચ ટકા જીએસટી લાગ્યા બાદ એક ડોઝની કિંમત 995 રૂપિયા થઈ જશે.
દવા કંપની ડો. રેડ્ડીઝ લેબે શુક્રવારે જણાવ્યું કે, મર્યાદિત શરુઆત સાથે કોરોનાની રસી સ્પુતનિક-વી (Sputnik-V)નો પ્રથમ ડોઝ હૈદરાબાદમાં લગાવવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે, રશિયાની વેક્સિન સ્પુતનિક-વી ( Russian vaccine)નો પ્રથમ જથ્થો 1 મેના રોજ ભારત આવી પહોંચ્યો. આ વેક્સિનને કેન્દ્રીય દવા પ્રયોગશાળા, કસૌલીથી 13 મે 2021ના રોજ મંજૂરી મળી. આ દવાની વધુ જથ્થો આગામી મહીનામાં ભારત આવશે. તેના બાદ ભારતીય વિનિર્માતા ભાગીદારો સાથે તેનો પૂરવઠો શરુ કરવામાં આવશે. સ્થાનિક વિનિર્માતાઓને તેનો પૂરવઠો મોકલવાના શરુ થવા પર તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે.
આગામી સપ્તાહથી દેશમાં અપાશે સ્પુતનિક વેક્સિન
આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસી દેશમાં આપવાનું શરૂ થઈ શકે છે. જુલાઇથી સ્પુતનિક રસીનું દેશમાં ઉત્પાદન શરૂ કરાશે. દેશમાં હાલમાં રસીકરણ (Vaccinations) અભિયાનમાં બે રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન ઉપયોગમાં છે.
સ્પુતનિકન વી (Sputnik-V)ને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની (Second wave)ઝપેટમાં છે જે ખૂબ જ ઘાતક છે. તેની વચ્ચે રસીની માંગમાં પણ વધારો થયો છે.
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- 2,40,46,809
કુલ ડિસ્ચાર્જ- 2,00,79,599
કુલ એક્ટિવ કેસ - 37,04,893
કુલ મોત – 2,62,317
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.