જેએમમમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર છે. હેમંત સોરેનને જન્મ 1975માં ઝારખંડમાં જ થયો હતો. હાલ તેમની ઉંમર 44 વર્ષ છે. હેમંત સોરેન આ પહેલા પણ એકવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
હેમંત સોરેને પટનાની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે રાંચીમાં એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ અગમ્ય કારણોસર શિક્ષણ સમાપ્ત કરી શક્યા નહોતા.
પિતા સાથે મળી અને હેમંત સોરેને ઝારખંડ મુક્તિ મોરચાની કમાન સંભાળી હતી. જૂન 2009-જાન્યુઆરી 2010 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા અને જુલાઈ 2013-ડિસેમ્બર 2014 સુધી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો.
2009ની વિધાનસભાની ચૂંટણીમાં હેમંત દુમકા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. જ્યારે 2014ની ચૂંટણીમાં બરહેટથી ચૂંટાયા હતા. જોકે, બીજી બેઠક દુમકા પરથી તેમને લુઈસ મરાંડીએ પરાજય આપ્યો હતો. 2019માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બંને બેઠકો પરથી ઝંપલાવ્યું હતું.