દેશના પ્રમુખ મેટ્રો શહેરમાં સ્થાન ધરાવતા બેંગલુરુમાં ફૂડ એપ ઝોમેટોના ડિલિવરીબોયે હુમલો કરતા એક મહિલાનું નાક તોડી નાંખ્યું તેને લોહીલુહાણ કરી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ ઝોમેટો પર આપેલો ઓર્ડર પહોંચાડવામાં વિલંબ થવાથી તેણે ઓર્ડર રદ કરતા ડિલિવરીબોયે મહિલાને નાક પર પંચ મારી તેનું નાકનું ટેરવા પર ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેને લોહીલુહાણ કરી દીધી હતી.


બેંગ્લુરુની હિતેશા ચંદ્રની કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઝોમેટો ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. હકીકતમાં ફૂડ ડિલિવરી લેટ થઈ હોવાને કારણે મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. એની થોડીવાર પછી જ ડિલિવરી બોય જમવાનું લઈને ઘરે પહોંચ્યો હતો, પરંતુ જ્યારે મહિલાએ ડિલિવરી લેવાની ના પાડી તો ડિલિવરી બોય એટલો ગુસ્સે થઈ ગયો હતો અને તેણે તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં હિતેશાને નાક પર ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાય છે અને તેને લોહી પણ નિકળી રહ્યું હતું. આ ઘટના અંગે ઝોમેટોએ પણ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્થાનિક પ્રતિનિધિ પોલીસ તપાસ માટે મદદ કરવા તમારા સંપર્કમાં રહેશે.  






હિતેશાએ વધુમાં જણાવ્યું કે, મે આપેલો ઓર્ડર પહોંચાડવામાં વિલંબ થયો હોવાથી મેં ઓર્ડર કેન્સલ કર્યો હતો અને તે અંગે હું કસ્ટમર કેર સાથે વાતચીત કરતી રહી હતી ત્યારે ડિલિવરી બોયે આ કૃત્ય કર્યું હતું. તેણે મારા નાક પર પંચ માર્યો અને મને લોહી નિકળવા લાગ્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે ગંભીર રીતે ઘવાતા તેને નાકનું હાડકું તૂટી ગયું હતું અને હવે તેને સર્જરી કરાવવી પડશે.


મહિલાના આરોપ પર ઝોમેટોએ સ્પષ્ટા પણ કરી છે. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.