કાશ્મીરઃ જમ્મુમાં રવિવારે હોસ્પિટલમાં લઇ જતા સમયે ગર્ભવતી મહિલાએ પોલીસ વાનમાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાનું નામ સોનિયા દેવી છે અને તે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની રહેવાસી છે. પોલીસે કહ્યું કે તેમની પાસે શનિવારે રાત્રે લગભગ બે વાગ્યે એક કોલ આવ્યો હતો કે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી અને તેને હોસ્પિટલ લઇ જવી જરૂરી હતી.  પોલીસે તરત જ મદદ માટે ગાડી મોકલી હતી. દરમિયાન મહિલા હોસ્પિટલ પહોંચે તે અગાઉ જ તેણે પોલીસ વાનમાં જ બાળકીને જન્મ આપ્યો હતો.

હાલ માતા અને નવજાત બાળક એમ બંને સ્વસ્થ છે. પોલીસે ત્યારબાદ આ પરિવારને ઘરે પહોચાડ્યો હતો. પોલીસે કહ્યું કે સોનિયા દેવી જમ્મુના ચન્ની હિમ્મત વિસ્તારમાં રહે છે. મહિલાનો પતિ રાજૂ પ્રવાસી મજૂર છે. જીલ્લાના સિનિયર ઓફિસરે જણાવ્યું કે, અમારો સ્ટાફ લોકલ સ્થાનિકોની મદદ કરવા માટે હંમેશાં તત્પર જ હોય છે.

સોનિયાએ કહ્યું કે દર્દમાં જ્યારે તેને હોસ્પિટલ લઇ જવા માટે કોઇ વાહન મળી રહ્યું નહોતું તો તેણે પોતાની બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ તેને  આશ્વર્ય થયું જ્યારે તે તૈયાર થયા તે અગાઉ પોલીસ તેના ઘરે પહોંચી ગઇ હતી. સોનિયા જણાવે છે કે તેમની દીકરીનો જન્મ આ રીતે થવાનું લખ્યું હશે અને તે આ રીતે પેદા થઇ. તેણે પોતાની દીકરીનું નામ વૈષ્ણવી રાખવાનું વિચાર્યું છે.