બુલંદશહર: શુક્રવારે દિલ્લીમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નોઈડાની એક મહિલા અને તેની 14 વર્ષની દીકરીને કારમાંથી બહાર ખેંચીને તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો. દિલ્લીથી માત્ર 65 કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના બુલંદશહર નજીકના હાઈવે પર પાંચ શખ્સોએ આ દુષ્કૃત્ય આચર્યું હતું. શુક્રવારે રાત્રે પીડિતાઓ તેમના પરિવાર સાથે ઉત્તરપ્રદેશના શાહજંહાપુર જઈ રહી હતી, ત્યારે બુલંદશહર નજીક પહોંચતા જ તેમની કાર પર બોથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો. અને પાંચ શખ્સો દ્વારા તેમના પરિવારને પાસેના ખેતરમાં ઢસડી જઈ તેમની પાસેની રોકડ, જ્વેલરી અને મોબાઈલ લૂંટી લેવાયા.
બુંદેલશહરના સીનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે, નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પીડિતાના પરિવારના પુરુષોને બાંધીને મહિલા અને તેની 14 વર્ષની દીકરી પર પાંચ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો.
બીજા દિવસે સવારે પરિવારનો એક સભ્ય છૂટવામાં સફળ રહ્યો અને તેણે ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.ઉલ્લેખનીય છે કે, દિલ્લી-કાનપુરને જોડતા હાઈવે પર બનેલી ઘટનાના સ્થળેથી પોલીસ મથક ફક્ત 100 મીટરના અંતરે છે. ત્યારે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેથી આ વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીને સસ્પેંડ કરાયા છે, અને આરોપીઓને પકડવા એક ખાસ ટીમની નિમણૂંક કરાઈ છે.