મુંબઈ: મુંબઈની હાજી અલી દરગાહના અંદરના ભાગમાં મહિલાઓને જવા પરથી પ્રતિબંધ હટાવ્યા પછી આજે પહેલી વખત મહિલાઓ પ્રવેશ કરશે. બે વર્ષ પહેલા ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને દરગાહના મુખ્ય ભાગમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને પડકાર આપ્યો હતો.


24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ દરગાહની અંદરના ભાગમાં મહિલાઓને અંદર જવા માટે અનુમતિ આપવામાં આવી હતી. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સહ સંસ્થાપક સાફિજ નિયાજના મતે, દેશભરની લગભગ 80 મહિલાઓ આજે ત્યાં જશે અને ચાદર અને ફૂલ ચઢાવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો દરગાહના એક પોઈંટ સુધી પુરુષોને જવાની મંજૂરી છે અને મહિલાઓને નહીં, તો આ વાત મુશ્કેલીરૂપ છે.

મામલાની સૂનવણી દરમિયાન દરગાહ તરફથી બતાવવામાં આવ્યું હતું કે ટ્રસ્ટે પ્રસ્તાવ પાસ કર્યો છે કે બોમ્બે હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. ટ્રસ્ટ મહિલાઓને પ્રવેશ આપશે. તેના માટે રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. તેના પર CJI ઠાકુરે કહ્યું કે જો ટ્રસ્ટ મહિલાઓને પ્રવેશ આપવા માટે તૈયાર છે તો પછી સુપ્રીમ કોર્ટમાં સૂનવણીની શું જરૂર છે.