લખનઉઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાના વટહુકમ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરપ્રદેશમા અનામત વ્યવસ્થા 14 જાન્યુઆરીથી લાગુ થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશ ગરીબ સવર્ણોને અનામત આપનારી આ વ્યવસ્થા લાગુ કરનારુ ત્રીજું રાજ્ય બની ગયું છે. ઉત્તરપ્રદેશ અગાઉ ગુજરાત અને ઝારખંડ સરકારે અનામત કાયદાને મંજૂરી આપી હતી.
ગયા શનિવારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોવિંદે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત સંબંધિત બંધારણીય અધિનિયમ 2019ને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ હવે દેશમાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતનો રસ્તો સાફ થઇ ગયો હતો. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપનારા આ અધિનિયમ બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરી સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાની જોગવાઇ કરાઇ છે.
જે પ્રમાણે આઠ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા લોકોને અનામતનો લાભ મળશે. એક તરફ બીજેપી શાસિત ગુજરાત, ઝારખંડ, અને ઉત્તરપ્રદેશમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તો અનેક વિપક્ષ શાસિત રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો. મમતા સિવાય ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને તેનો વિરોધ કર્યો અને મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી.