નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે, ત્યારે લોકોને નવા વર્ષની શરૂઆતમાં રસી મળે તેવી પ્રબળ શક્યતા છે. સરકારે દેશભરમાં રસી પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, રસી સ્ટોર કરવા માટે અલગ અલગ જગ્યાઓ પર કોલ્ડસ્ટોરેજની સુવિધાઓ મળી રહે એ માટે એની તપાસ શરૂ કરી દેવાઇ છે. એક નેશનલ એક્સપર્ટ ગ્રુપને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ગ્રુપ ફાર્માસ્યુટિકલ સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી, એગ્રો બિઝનેસની સાથે સ્વીગી અને ઝોમેટો જેવી સ્ટાર્ટઅપ કંપની સાથે વાતચીત કરીને તમામ વ્યવસ્થાઓ ચકાસી રહી છે.


સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે રસી સ્ટોર કરવા માટે દરેક રાજ્યોમાં જિલ્લા કક્ષાએ સ્ટોરેજ અને મોટા ફ્રિજવાળી સુવિધાઓ પણ શોધવામાં આવી રહી છે. ઝીરોથી માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રાખી શકાય એવા કોલ્ડસ્ટોરેજની તપાસ કરાઈ રહી છે. જેથી રસી 2થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં સ્ટોર કરાશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી છ મહિનામાં દેશની 18% વસતિને રસી લગાડવાની યોજના છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ રસી કેન્ડિડેટ લિક્વિડ ફોર્મમાં મળશે. જેમાંથી કેટલીક ફ્રીઝ-ડ્રાઈડ પણ હોય શકે છે. ઈન્જેક્શનની મદદથી એના બે ડોઝ અપાશે. કેટલીકમાં રસીના બેથી વધુ ડોઝ આપવાની જરૂર પણ પડી શકે છે, જેના મલ્ટી ડોઝ વાયઝ તમામ જગ્યાએ પહોંચાડાશે. તમામ રસીને રાખવા માટે કેટલાં કોલ્ડસ્ટોરેજની જરૂર પડશે એની પણ ગણતરી કરાઇ રહી છે.

સરકાર રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે રેફ્રિજરેટેડ વાનનો ઉપયોગ કરવા અંગે વિચારી રહી છે, જેની સંખ્યા વધારવા પર પણ વિચાર કરાઇ રહ્યો છે. સરકારી વાન ઉપરાંત પ્રાઈવેટ સેક્ટર પાસે પણ રહેલી વાનનો જો જરૂર પડશે તો ઉપયોગ કરાશે. મોટે પાયે રસીકરણ માટે રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત પહોંચાડવાનું કામ સૌથી વધુ પડકારજનક છે.

રસીને સ્ટોર કરવા માટે હાલ અનેક રાજ્યોમાં કોલ્ડસ્ટોરેજની સુવિધાઓ ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવાં રાજ્યોમાં કોલ્ડસ્ટોરેજની સુવિધા વધારવાનો નિર્ણય કર્યો છે. જે રાજ્યોમાં આ માટે કામ કરાશે એમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગાણા, દિલ્હી, આસામ, ઝારખંડ અને ઓરિસ્સા સામેલ છે.