Gujarat Rain Update: હવાનાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે, કેટલાક વિસ્તારોમાં મેઘ કહેર બનીને આવ્યો છે. આજે બોટાદ અને જામનગરમાં એક યુવક અને યુવતીનું મોત થયું છે. જામનગરના ગુલાબનગર નવ નાળા પાસે એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો. આજે બપોરના સમયે યુવક પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ જામનગર ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.




તો બીજી તરફ બોટાદમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી થતાં યુવતીનું મોત થયું છે. બરવાળા તાલુકાના વહીયા ગામે આ દુર્ઘટના ઘટી હતી. રહેણાંક મકાનની દિવાલ ધરાશયી થતાં આરતીબેન રમેશભાઈ કતપરા નામની 18 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું. ગામમાં પ્રવેશવા માટેના એકમાત્ર માર્ગ પરની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકી ન હતી. અંતે ગ્રામજનોએ ટ્રેકટર મારફતે કેનાલના રસ્તે થઈ યુવતીને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. વહીયા ગામના એકમાત્ર મુખ્ય માર્ગના રસ્તા પર વરસાદી પાણીના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે.


 વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ


ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.


ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ


રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.


24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.  


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial