જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ ગામે એક સિંહણનું ખેતરમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર વીજ શોકના કારણે મોત થયું છે.  સિંહણના મોત બાદ મૃતદેહને જૂની ખાણમા દાટી દેવામાં આવ્યો હતો.  પેટ્રોલિંગ દરમિયાન ફોરેસ્ટની ટીમને દુર્ગંધ આવતા તપાસમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
 
જૂનાગઢથી પણ ગતરોજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમો દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. વીજ શોક લાગવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિંહણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેના આધારે આગળ પગલાં લેવામાં આવશે. કોમ્બિંગ ચાલુ છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે, આ અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહીઓ પણ કરવામાં આવશે. સીસીએફ જુનાગઢના અધિકારીએ આ માહિતી આપી છે. 


દરિયામાં ડૂબી જતા સિંહણનું મોત થયું હતું


રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌ પ્રથમ ઘટના જાફરાબાદ દરિયા કિનારે બની હતી. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. વનવિભાગે મૃતદેહ કબજે લીધો હતો. જ્યારે ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાં સિંહબાળ ફસાયું હતું. જેનું રેસ્ક્યુ કરી વનવિભાગે બચાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં હવે સિંહો ગીર જંગલ ગ્રામ્ય વિસ્તાર બાદ હવે દરિયા કિનારે અવર જવર વધતા વનવિભાગ ચિંતિત છે.


રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા.  છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. 115 કરોડ અને રૂ. 162 કરોડ મળીને કુલ રૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં કુદરતી અને અકુદરતી ઉપરાંત વિવિધ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં અકુદરતી મોતને ભેટેલા સિંહોની સંખ્યા 9, સિંહણ 12 અને 8 સિંહબાળના મોત નિપજ્યાં છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસે 31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ રૂ. 2 કરોડની સહાય આપવામાં આવી હતી. 


કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના લેખિત ઉત્તરમાં વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની હત્યાના કેસમાં ગુનેગારો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. મુખ્યત્ત્વે સિંહોના અવરજવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે સિંહમિત્રોની નિમણૂક કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ માટે રેપિડ એક્શન ટીમની રચના કરી છે.  સિંહોને રેડિયોકોલર પહેરાવીને મૂવમેન્ટ પર નજર રખાય છે. આ સાથે વાહન, હથિયાર, વોકીટોકી સાથેની ક્ષેત્રિય ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરાય છે.