જામનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોચ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર બીનાબેન કોઠારી, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકા રોકાણ બાદ તેવો દ્વારકા જવા રવાના થશે. દ્વારકા ખાતે જગતમંદિરમાં રાષ્ટ્રપતિ પૂજા અર્ચના કરશે.
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકા મંદિરના ભગવાનના દર્શન કરશે. કાળિયા ઠાકરના દર્શન કરી સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરશે. બપોરે ૪ વાગ્યા બાદ કાફલા સાથે માધવપુર જશે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથ પણ જશે. ઐતિહાસિક માધવપુરનાં મેળામાં સાંજે હાજરી આપી મોટર માર્ગે રાત્રે સોમનાથ પહોંચશે. તેઓ નવનિર્મિત સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે દાદાના દર્શન કરી રવાના થશે. આ પ્રસંગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસ.પી. અને ડી.વાય.એસ.પી.સહિત અન્ય અધિકારીગણ સાથે ૨૮૨ પોલીસ સ્ટાફ રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે ગુજરાત પહોંચ્યા હતા. તેઓ વડોદરાના મહેમાન બન્યા હતા. કેવડિયા ખાતેની નેશનલ જ્યુડિશિયલ કોંફરન્સ પૂર્ણ કર્યા બાદ વડોદરા પોહોંચ્યાં હતા. અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. રાષ્ટ્રપતિના આગમનને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ એકતાનગર ખાતે દ્વિદિવસીય નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિષયક સભાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ. છેલ્લા બે દાયકાઓમાં તકરારોનું વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે.
આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક 'એક્સેસ ટુ જસ્ટીસ' નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી નાગેશ્વર રાવ, શ્રી એમ.આર.શાહ, શ્રી અબ્દુલ નઝિર, શ્રી વિક્રમ નાથ, શ્રી બેલાબેન ત્રિવેદી, મહેસુલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,વિવિધ રાજ્યોની વડી અદાલતોના ચીફ જસ્ટિસ, રજિસ્ટ્રાર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા