પાલનપુરઃ બનાસ ડેરી પર કબ્જો જમાવવા માટે ભાજપના જ ત્રણ ત્રણ દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે મંગળવારે 16 પૈકી 9 બેઠકો શંકર ચૌધરીના સમર્થનમાં બિન હરીફ થતાં તેમનો દબદબો યથાવત જોવા મળ્યો છે. હવે 7 બેઠકો પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે વડગામ તાલુકાના ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે.


દૂધ મંડળીના મકાન મકાનમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મંત્રી લવજીભાઈની હાલત નાજુક છે. બનાસડેરીની ચૂંટણીમાં વોટ માટે મંત્રી પર પ્રેશર કરાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બનાસડેરીની ચૂંટણીમાં વોટ માટે બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા પગાર બંધ કરી દેવાની, દાણ બંધ કરી દેવાની અને અન્ય બાબતોની ધમકીઓ અપાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

વડગામ બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દિનેશ ભટોળને વોટ અપાવવા મંત્રી પર દબાણના ગ્રામજનોના આક્ષેપ છે. દૂધ મંડળીના મંત્રી લવજીભાઈ કરશનભાઈ ચૌધરીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મંત્રીની હાલત નાજુક છે, તેઓ પાલનપુરની ખાનગી આઇસીયુમાં સારવાર હેઠળ છે. મંત્રીએ આપઘાતના પ્રયાસ પહેલા સુસાઇડ નોટ લખી હતી.

બનાસ ડેરીની દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, વાવ, રાધનપુર, સુઇગામ અને સાંતલપુર લાખણીની બેઠક ઉપર એક એક ઉમેદવારે ફોર્મ રજૂ કરતાં આ બેઠકો બિન હરીફ થઈ છે. જેથી શંકરભાઇ માટે ચેરમેન પદનો રસ્તો ફરી એકવાર ખુલી ગયો છે. હવે બાકીની 7 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાનમાં છે. જે ચિત્ર પણ ફોર્મ પરત ખેંચાયા બાદ સ્પષ્ટ બનશે.

પાલનપુરમાં 8, વડગામમાં 3, દાંતામાં 1, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 1, ડીસામાં 6, ધાનેરામાં 1, થરાદમાં 2, વાવમાં 1, ભાભરમાં 3, દિયોદરમાં 3, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2,સુઇગામમાં 1 જ્યારે લાખણીમાં 1 ઉમેદવારે ઉમેદવારી પત્રો ભર્યા છે.