વેપારીને બ્લેકમેઇલ કરી દોઢ લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. કોઈ યુવતી સાથે વોટ્સએપ અને ફોનથી કરેલી વાતચીતના સ્ક્રિનસોર્ટ વાયરલ કરવાની ધમકી આપી 20 લાખની માંગણી કરી હતી. થરાદમાં વાહનનો શોરૂમ ધરાવતા વેપારીને બ્લેકમેઈલ કરતા ગુનો નોંધાયો છે. થરાદ પોલીસે વાવના કુંભારડી ગામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે થોડા સમય પહેલા વેપારીને તેમના મોબાઇલ નંબર પર વોટ્સેપ મેસેજ આવ્યો હતો. જેનો રિપ્લાય આપતાં સામેથી છોકરીએ જવાબ આપ્યો હતો. આ પછી બંને મોબાઇલ પર વાતો કરતા હતા અને વોટ્સએપ પર પણ ચેટ કરતા હતા. દરમિયાન એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમજ તેણે વેપારીને યુવતી સાથેની વાતચીતનું રેકોર્ડિંગ અને વોટ્સએપ મેસેજની ચેટ હોવાનું જણાવ્યું હતું. તેમજ આ રેકોર્ડિંગ અને ચેટ વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ પછી આ વ્યક્તિને શોરૂમ પર બોલાવતા તેણે પોતાના મોબાઇલમાં મોબાઇલનું રેકોર્ડિંગ અને ચેટ બતાવ્યા હતા. તેમજ વાયરલ કરી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે દોઢ લાખ રૂપિયામાં સમાધાન થઈ ગયું હતું. પરંતુ થોડા સમય પછી આ વ્યક્તિનો ફરીથી ફોન આવ્યો હતો અને વધુ રૂપિયાની માંગણી કરી હતી તેમજ ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી વેપારીએ થરાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.