મહેસાણા: વિપુલ ચોધરીની ધરપકડ બાદ રોજેરોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે ચૌધરી સમાજ દ્વારા મોટું સંમેલન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વિપુલ ચોધરીની ધરપકડ બાદ ખેરાલુ તાલુકાના ભાજપ વિરુધ બેનરો લાગ્યા છે. ખેરાલુ તાલુકાના મોટી હેવાણી, મછાવા, મંડલી, સહિતના ડાવોલ સમોજા સહિતના ગામોમાં ભાજપ સરકાર વિરુદ્ધ બેનરો લાગ્યા છે. બેનરો લગાવતા સમયે લોકો એકઠા થઇ હાથમાં તલવાર બતાવી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા.
મહિલાઓના હાથમાં ખુલ્લી તલવાર જોવા મળી હતી. ચૂંટણી સમયે ભાજપના નેતાઓને ગામમાં ના પ્રવેશવાના બેનર લગાવવામાં આવ્યા છે. આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખુલ્લી તલવારો સાથે મહિલાઓ વિપુલ ચૌધરીના સમર્થનમાં સામે આવતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધડપકડ બાદ ખેરાલુ તાલુકાના ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિપુલ ચૌધરીના સમર્થન ચૌધરી સમાજ આવ્યો મેદાને
બનાસકાંઠા: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૌધરી સમાજ વિપુલ ચૌધરીની ધપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. આજે ધાનેરાના થાવર ગામે ચૌધરી સમાજનું મહાસમેલન મળવાનું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો હાજર રહેશે. સામરવાડાથી થાવર સુધી ચૌધરી સમાજની વિશાળ બાઇક રેલી પણ યોજાશે.
પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી માટે અર્બુદા સેનાના બેનર હેઠળ આ મહાસમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ચૌધરી સમાજના લોકો આવે તેવી શકયતા છે. વિશાળ સંમેલનને લઈને તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તૈયારી કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું
દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે એક પછી એક નવી નવી બાબતો સામે આવી રહી છે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા છે. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.
ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે.