ભાભરઃ થરાદ તાલુકના જમડા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. મૃતક યુવકને લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું થઈ ગયું હતું. 6 મિત્રો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરતા યુવકે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો ધડાકો થયો છે. યુવકના પરિવારે 6 શખ્સો સામે ગૂનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરી દેતાં ભારે પોલીસ દોડતી થી ગઈ છે.

થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે મહાજનપુરા પુલ પાસે એક યુવકની લાશ તણાઈ આવી હતી. પાલિકાની રેસ્ક્યૂ ટીમ દ્વારા નહેરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે લાશની તલાસી લેતાં ખિસ્સામાંથી મોબાઈલ તેમજ 500ના દરની સાત નોટો અને 50ની ત્રણ નોટો મળી કુલ 3650 રૂપિયા રોકડ મળી આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન જ તેના પરિવારજનો શોધતાં શોધતા ત્યાં આવી પહોચ્યા હતા. યુવકની ઓળખ કરતાં તે ભાભરના અંબેશ્વર સોસાયટીમાં રહેતો પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર (ઉં.વ. 23) હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલમાં પી. એમ. અર્થે ખસેડ્યો હતો.

મૃતક યુવક શાકભાજી વેચીને પરિવારને મદદ કરતો હતો. છેલ્લા અઢી મહિનાથી લુડો ગેમના સટ્ટામાં રૂ.10 લાખનું દેવું થઇ ગયું હતું. જેમાં 4 લાખ તો ચૂકવી દીધા હતા. બાકીના નાણાં માટે ભાભરના 5 અને પાટણનો 1 શખ્સ પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ લગાવ્યો હતો. પરિવારે આત્મહત્યા અથવા તો હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ આરોપીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.