અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પોલીસની હેરાનગતિથી ગર્ભવતી મહિલાની બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. ગર્ભમાં રહેલી બાળકીનું મોત થઈ જતાં અંબાજી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. dysp કક્ષાએથી તપાસ થઈ રહી છે. તપાસનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે. જોકે, સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

મળતી વિગતો પ્રમાણે, મહિલાને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનો રવિવારે રાત્રે ગાડીમાં અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાંથી પાલનપુર મોકલ્યા હતા. દરમિયાન અંબાજી ડી. કે. સર્કલ પર વાહન ચાલકે માસ્ક ન પહેરેલ નથી, એવું કહી પોલીસે ગાડી રોકી ગાડી ડીટેન કરી હતી. તેમજ પ્રસૂતા સાથે હોવા છતાં બનિજરૂરી રોકી રાખ્યા હતા. સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતા સમયે ગાડી ડીટેઇન કરી લેતા મહિલાને સમયસર સારવાર મળી નહીં. જેને કારણે પ્રસૂતિ સમયે બાળકીનું મોત થયું છે. મહિલાની તબિયત લથડતા પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે.