કડીની કરજણ ખાતેની નર્મદા કેનાલમાં કાર ધડામ દઈને ખાબકી હતી. જેનો અવાજ સાંભળીને ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું. તેમણે કેનાલમાં જોતા એક સગીરા ડૂબી રહી હતી. આ સમયે ખેડૂત મહિલાએ પોતાની સાડીનો એક છેડો કેનાલમાં નાંખીને કિશોરીને આપ્યો હતો. જે પકડીને સગીરા બહાર આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક સગીરા અને બે સગીર મળી કુલ ત્રણના મોત થયા છે. જ્યારે હજુ સુધી એક કિશોરનો પત્તો લાગ્યો નથી. ખેડૂત દંપતીએ જે સગીરાને બચાવી તેનું નામ અરબીના હોવાનું જાણવા મળ્યું છે.
અરબીના નંદાસણના વતની અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મીરસાબમીયા સૈયદના પુત્ર અહેમદહુસેન સૈયદ ઉર્ફે સરપંચની દીકરી છે. અરબીના તેના ચાર મિત્રો સાથે સોમવારે કાર લઈને કડી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ગઇ હતી. ફોર્મ ભર્યા બાદ સવારે 10-30 વાગ્યાના અરસામાં તેઓ કડીથી કરણનગર સ્થિત નર્મદા કેનાલ પર ફરવા નીકળ્યા હતા. તેઓ કચ્છ તરફની મુખ્ય કેનાલ પાસ કરીને સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડની રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં ખાબકી હતી.
કાર ખાબક્યાની જાણ થતાં રાહદારી ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું અને અરબીના નામની સગીરાને બચાવી લીધી હતી. આ પછી સ્થાનિક તરવૈયાઓ અને કડી સહિતના ફાયર બ્રિગેડની ટીમોની 7 કલાકની ભારે જહેમત બાદ 3 લાશો બહાર કાઢી પીએમ માટે કડી સરકારી હોસ્પિટલ મોકલી અપાઇ હતી. કિશોરીની લાશ કારમાંથી મળી આવી હતી.
કાર કેનાલમાં ખાબકવાનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ એક સગીરાને બચાવી લેવામાં આવી હતી. જોકે, એક સગીરા અને બે સગીર મળી ત્રણના મોત થયા છે. તેમજ એકની શોધખોળ ચાલું છે.