મહેસાણાઃ ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં કોરોનાના કેસો (Mehsana Corona Cases) સતત વધતાં 11 દિવસના લોકડાઉનનો (Lockdown) નિર્ણય લેવાયો છે. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. આજે સવારે 11 વાગ્યે નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.  ટાઉન હોલ ખાતે મળેલી બેઠકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે એવો નિર્ણય લેવાયો છે.


આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે. મહેસાણા શહેરના ટાઉન હોલ ખાતે આજ રોજ વેપારીઓ અને મંત્રીની બેઠકમાં મહેસાણા શહેરનું બજાર સ્વૈચ્છિક બંધ રહેશે  તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા નિર્ણય લેવાયો છે.


મહેસાણામા કોરોનાના કેસો વધતાં  સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને ફ્રુટ અને શાકભાજીની લારીઓ પર ભીડ થતાં તેને દૂર કરવા  નિર્ણય લેવાયો છે. તોરણવાડી ચોક, જૂની તાલુકા પંચાયત,મોઢેરા રોડ,વી કે વાડી,આશ્રય હોટલ, દ્વારકાપુરી ફ્લેટ અને GEB પાસે લારીઓ હટાવાશે.


ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ કોરોના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં શનિ-રવિવારના દિવસે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી સંક્રમણ અટકાવવા પ્રયાસો થયા  છે. આમ છતાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે.


મહેસાણા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 390 કેસ જોવા મળ્યા હતા અને તેના કારણે લોકડાઉન લાદવું પડ્યું છે. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 390 કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે પૈકી શહેરી વિસ્તારમાં 172 પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ છે. હેસાણા શહેરમાં 106 પૉઝિટિવ કેસ છે અને હજુ પણ 1031 ટેસ્ટનાં પરિણામ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 2877 થયા છે.