મહેસાણાઃ બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના સામે આવી છે. ચાર્જિંગમાં મોબાઈલ લગાવી કોલ પર વાત કરતાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 17 વર્ષ શ્રદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના મહેસાણામાં બની છે. બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈ પોતાના ઘરના ઉપરના રૂમમાં મોબાઈલ ચાર્જિંગમાં લગાવી મોબાઈલ પર વાત કરી રહી હતી. આ જ સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ યુવતીનું મોત થયું.
આચનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં ઉપરના રૂમમાં આગ લાગવાની ઘટના પણ બની હતી, જેના પગલે યુવતીને ગંભીર ઇજા થતાં યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવતીનું મોત થતાં પરિવારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જોકે, મોબાઈલ ચાર્જિંગમાં લગાવી મોબાઈલ પર વાત કરતાં લોકો માટે આ ખતરાની ઘંટી છે.
Surendranagar : ગુપ્ત ધનની લાલચમાં શિવ મંદિરમાં નંદી-શિવલિંગ દૂર કરી ખોદી નાંખ્યો 6 ફૂટ ઉંડો ખાડો
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે શિવ મંદિરમાં ગુપ્ત ધનની લાલચમાં મંદિરમાં કોઈએ 6 ફૂટ જેટલો ઉંડો ખાડો કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
નંદી અને શિવલિંગને દૂર કરીને પાંચથી છ ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. થાન મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળની તપાસ કરવા દોડી ગયા હતા. કોઈ ગુપ્ત ધનની લાલચમાં મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થાન મામલતદાર, પોલીસ વિભાગ, વિશ્વ હિન્દુ પરિષદ, સરપંચ અને સ્થાનિક લોકો મંદિરની મુલાકાતે દોડી આવ્યા હતા.
Jamnagar : MPના યુવક-યુવતીને પ્રેમ થઈ જતાં લવ મેરેજ કરી આવી ગયા ગુજરાત, ને પછી એક દિવસ થયું એવું કે.....
જામનગરઃ મધ્યપ્રદેશના અલીરાજપુરના એક યુગલને પ્રેમ થઈ જતાં બંનેએ લવ મેરેજ કરી લીધા હતા અને લગ્ન કરીને ગુજરાત આવી ગયા હતા. જોકે, એક જ વર્ષના લગ્નગાળામાં પ્રેમલગ્ન કરનાર યુવકે પોતાની પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવકે પોતાની પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત ઉપજાવી કાઢી હતી. જોકે, પોલીસે તપાસ કરતાં પતિ એજ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યાવહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં 24 વર્ષીય જમકુબેન નામની આદિવાસી યુવતીએ આપઘાત કરી લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવતાં ચોંકી ઉઠી હતી. મંગળવારે રાતે જમકુબેન ગળેફાંસો ખાધો હોવાનું પતિ કેરુભાઈએ પોલીસને કરી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે પતિ પર શંકાને આધારે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર જણાવ્યું હતું કે, તે મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશનો વતની છે. એક વર્ષ પહેલા તેણે અને જમકુબેને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, તેમના સમાજમાં આની પરવાનગી ન હોવાથી સમાધાનના ભાગરૂપે યુવતીના પરિવારને પૈસા આપવાના હતા. જે પેટે 1 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમજ હજુ વધુ રૂપિયા આપવાના હતા.
બીજી તરફ પ્રેમલગ્ન પછી બંને જામનગર આવી ખેતમજૂરી કરી રહ્યા હતા. જોકે, યુવતીના પરિવાર તરફથી પૈસાની માંગણી સતત ચાલું હતી. તેમજ પૈસા ન આપે તો દીકરીને બીજા સાથે પરણાવી દેવાની ચિમકી પણ તેમણે આપી હતી. જોકે, યુવક પાસે તેમને દેવા પૈસા ન હોવાથી કંટાળી ગયો હતો અને પત્ની પોતાની ન થાય તો બીજાની પણ નહીં થવા દે, તેવું વિચારી પત્નીની હત્યા કરી નાંખી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે પતિએ હત્યાની કબૂલાત કરતા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.