Mehsana Crime News: ગુજરાતમાં હરિયાણા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હરિણાણાના ફરિદાબાદમાં ડબ્બા ટ્રેડિંગની એક સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઇ હતી, જેમાં વિસનગરના વિષ્ણુજી ઠાકોરનું નામ સામેલ હતુ, જેને પકડવા માટે આજે હરિયાણા પોલીસ અચાનક આવતા વિષ્ણુજીએ પોલીસ જાપ્તામાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, નિષ્ફળ જતાં પોલીસે તેને પકડીને હરિયાણા લઇ ગઇ હતી. 


મળતી માહિતી પ્રમાણે, થોડાક દિવસો પહેલા હરિયાણાના ફરિદાબાદમાં ડબ્બા ટ્રેડિંગની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ફરિદાબાદમાં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આરોપી તરીકે વિસનગરના વિષ્ણુજી ઠાકોરનુ નામ હતુ. જેને પકડવા માટે આજે હરિયાણા પોલીસે વિસનગરમાં ધામા નાખ્યા હતા, જ્યારે હરિયાણા પોલીસ વિષ્ણુજી ઠાકોરના ઘરે તપાસ કરી રહી હતી તે સમયે વિષ્ણુજીએ પોલીસ જાપ્તામાંથી છટકીને ભગવાના પ્રયાસ કર્યો હતો. વિષ્ણુજી ઠાકોરે ઘરના ધાબા પરથી કુદીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાં વિષ્ણુજીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. વિષ્ણુજીને વિસનગર સિવિલમાં સારવાર કરાવ્યા બાદ હરિયાણા પોલીસ તેમને લઇને હરિયાણા રવાના થઇ હતી. જોકે, હરિયાણા પોલીસે ધાબા પરથી કુદીને પોલીસ જાપ્તામાંથી ભાગવાના પ્રયાસ મામલે પણ ફરિયાદ નોંધાવી હતી.


ડબ્બા ટ્રેડિંગના આરોપી વિષ્ણજી ઠાકોર વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખ છે, અને ડબ્બા ટ્રેડિંગ મામલે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આરોપી વિષ્ણુજી ઠાકોરે વિસનગર અને વડનગર કેટલાક વિસ્તારોમાં ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી, જેની ફરિયાદો પણ નોંધાઇ હતી. આવી જ એક ફરિયાદ વિષ્ણુજી વિરૂદ્ધ હરિયાણાના ફરીદાબાદ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં નોંધાઇ હતી, જેને લઇને આજે હરિયાણા પોલીસે કાર્યવાહી કરી હતી.