Mehsana News: રાજ્યમાં ખનન માફિયાઓ પ્રમાણિક અધિકારીઓની જાસૂસી કરતા હોવાના એક પછી એક જિલ્લામાં પર્દાફાશ થતો રહ્યો છે. ખનન માફિયાઓએ મહેસાણાના પ્રમાણિક ભૂસ્તર શાસ્ત્રીઓની જાસૂસી કરવા અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપ બનાવાયા હોવાનો પણ પર્દાફાશ થયો છે.


જિલ્લાના કડી વિસ્તારમાં માટી અને રેતીની થતી ખનીજચોરીને લઈ ડમ્પર અને હિટાચી મશીન પકડયા બાદ વિભાગના અધિકારીઓએ કરેલી તપાસમાં વ્હોટ્સએપ ગ્રુપ થકી અધિકારીઓની સંવેદનશીલ માહિતી પહોંચાડી વિભાગના અધિકારીઓની જાસૂસી કરાતી હોવાનો પર્દાફાશ થયો છે.


રેતી માફિયાઓએ બનાવેલા ચાર વ્હોટ્સએપ ગ્રુપના પુરાવા પણ મળ્યા છે. ખનીજ માફિયાઓ વિરૂદ્ધ મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિભાગના અધિકારીઓએ બે શખ્સના નામજોગ અને અન્ય વ્હોટ્સએપ ગ્રુપના એડમીન અને સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગુનાહિત ઈરાદાના ભાગરૂપે જયશ્રીરામ, ઓનલી ગુજરાત ચેકિંગ, જય મહાકાલ, રામદેવ એક્સપ્રેસ, એસપી રીંગ રોડ જેવા નામથી વ્હોટ્સગ્રુપ ચાલતા હતાં.


એટલું જ નહીં વિભાગના કર્મઠ અધિકારીઓ ક્યાં ક્યાં છાપેમારી કરવા જાય છે તેની જાણકારી ખનીજની ચોરી કરનારાઓ સુધી પહોંચાડવા તમામ ગતિવિધીની આ ગ્રુપોમાં મૂકવામાં આવતું હતું. સોશલ મીડિયાના દૂરપયોગથી ઉભા કરાયેલા નેટવર્કના કારણે પ્રમાણિક અધિકારીઓની ફરજમાં રૂકાવટ તેમજ અડચણ ઉભી કરી ખનીજચોરી જેવા ગેરકાયદેસર કામ કરવાનો પ્રયાસ થતો હતો.


વિભાગના અધિકારીઓએ આજ મુદ્દે વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને પેનડ્રાઈવ સાથેના પુરાવા મોકલી ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા તમામ ગ્રુપના એડમીન અને સભ્યો વિરૂદ્ધ તપાસની માગ પણ કરી છે...


મહેસામાંથી નકલી જીરૂની ફેક્ટરી ઝડપાઈ


રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો.  આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


નોંધનીય છે કે મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.   ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.