Mehsana News: કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક મંદિરોનો વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત મહેસાણાના ઉંઝા તાલુકાના સુણોક ગામે આવેલા નીલકંક મહાદેવ મંદિરનો વિકાસ કરાશે. પ્રસાદ યોજના હેઠળ સુણોક મંદિરનો વિકાસ કરવામાં આવશે.


સોલંકી યુગનું પ્રાચીન મંદિર છે


ઉંઝા તાલુકાના સુણોક ગામે ગામના પાદરે શિલ્પસ્થાપત્ય અને વિવિધ આકર્ષક પૌરાણીક કૃતિઓથી સજ્જ નીલકંઠ મહાદેવનું સોલંકી યુગનું પ્રાચીન મંદિર આવેલ છે. જે પાટણના સિધ્ધરાજ જયસિંહ સોલંકીએ નિર્માણ કરાવ્યું છે. મોઢેરા સુર્યમંદિર પાટણના પૌરાણીક શિવાલયોની સાથે સોલંકી યુગમાં આ મંદિર નિર્માણ પામેલ છે. શ્રાવણમાસ દરમિયાન સવા લાખ બીલી શિવજીને ચડાવવામાં આવે છે. ઇ.સ. 1880માં બ્રિટીશ નાગરિક હેનરી આ મંદિરની મુલાકાત લઇ ફોટોગ્રાફ લીધા હતા. જે ફોટોગ્રાફ આજે પણ બ્રિટીશ લાયબ્રેરીમાં જોવા મળે છે. મંદિરની શિલ્પ સ્થાપત્ય નકશી કામ આકર્ષક છે. મંદિર સંકુલમાં હરસિધ્ધ માતાજી નું પણ મંદિર આવેલુ છે. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો નથી  અવશેષો અંતર્ગત  પુરાતત્વખાતા દ્વારા આ મંદિરને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યુ છે. સુણોકના આ નીલકંઠ મહાદેવ ના મંદિરે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભ માંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે.




કેવું છે મંદિરનું બાંધકામ


સોલંકી યુગનું શિવમંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની પંક્તિ છે. કુંભાને મથાળે ચારુ તમાલપત્રોની હારમાળા છે. કલશ પર મુક્તામાળાનાં સુશોભન છે. મંડોવરની જંઘાના થરમાં કોતરેલ નૃત્યાંગનાઓનાં શિલ્પો સારી રીતે જળવાયાં છે. એમાં દરેક બાજુના ભદ્ર ગવાક્ષમાં અનુક્રમે ભૈરવ, નટેશ અને કાલીની મૂર્તિઓ છે. સંડેરના મંદિરના શિખર પર દરેક બાજુએ બે ઉર:શૃંગોની રચના છે.  ગર્ભગૃહ ચોરસ છે, પરંતુ મંડપની ડાબી તથા જમણી બાજુને લંબાવવાથી તે લંબચોરસ દેખાય છે. બહારની બાજુની દીવાલો પરનાં ભદ્રાદિ નિર્ગમોને કારણે ગર્ભગૃહ બહુકોણીય છે. મંડપનો ઘુમ્મટ અષ્ટકોણાકારે ગોઠવેલા આઠ સ્તંભો ઉપર ટેકવાયો છે. તેની આજુબાજુ બીજા આઠ વામનસ્તંભોની રચના કરી એના મથાળે મંડપની છત સોળ સ્તંભો પર ટેકવેલ છે. એની આગળ બીજા બે સ્તંભો ઉમેરીને શૃંગારચોકીની રચના કરાઈ છે. ઘુમ્મટના મધ્ય ભાગમાં આવેલી પદ્મશિલાનું ઉત્તમ કોતરકામ છે. તેમાં એક વખત બાર નૃત્યાંગનાઓનાં શિલ્પો હતાં. મંડપ અને શૃંગારચોકીની વેદિકા પર આવેલા વામનસ્તંભ ચોરસ અને સાદા છે. તેના ઉપરના છેડે પત્રાવલિથી વિભૂષિત દરેક બાજુએ વર્તુળ અને ઘટપલ્લવની રચના છે. તેના ઉપરનો સ્તંભભાગ અષ્ટકોણમાં પરિવર્તન પામે છે. એમાંની સર્પ અને હીરાઘાટની પરસ્પર ગૂંથણી ચિત્તને આકર્ષે છે. એની ઉપર કીર્તિમુખની પટ્ટિકા છે.