Mehsana:  રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો.  આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


નોંધનીય છે કે મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.   ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.


નકલી જીરુના આ જથ્થાને લઈ માલિકે કહ્યુ હતુ કે, આ જથ્થો પશુઆહાર છે અને તેઓ તેને વેચતા પણ હતા. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે અને જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે. આ ફેક્ટરીમાંથી નકલી જીરું બનાવવાના સાધનો અને સામાન ફેક્ટરીમાંથી ઝડપાયા છે અને સાથોસાથ હજ્જારો કિલો નકલી જીરાનો જથ્થો પણ ઝડપાયો છે.                           


ફેકટરી મલિકે ફ્રુડ એન્ડ ડ્રગ્સના અધિકારી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ફેકટરીના માલીક ધમેન્દ્રભાઈ પટેલે કહ્યુ હતું કે હું નકલી જીરું નથી બનાવતો. હુ પશુઓ માટે ખોળ બનાવું છું. ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અઘિકારી મારી પાસે હપ્તા પેટે નાણાં માંગ્યા હતા જે મે ના આપતા મારી ફેક્ટરી પર ખોટા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે ફૂડ વિભાગના અધિકારીઓએ આ મામલે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરુ કરી હતી.