મોડાસાઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકોના કામ-ધંધા પડી ભાંગ્યા છે અને લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. ત્યારે મોડાસામાં લોકડાઉનમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. મોડાસાના સહારાનગર સોસાયટીમાં ભાડે રહેતા પરિવારને મકાન માલિકે ઘરમાં પૂરી બહાર તાળું મારી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈ અરવલ્લી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. તેમજ મોડાસા ટાઉન પોલીસ પણ આ સોસાયટીમાં પહોંચી હતી. હાલ, પરિવારનો છૂટકારો થયો છે.

આ અંગેની વિગતો એવી છે કે, સહારાનગરમાં એક પરિવાર દોઢ વર્ષથી ભાડે રહે છે. હાલ, આ પરિવાર આર્થિક ભીંસને કારણે મકાનનું પૂરું ભાડું આપવા સક્ષમ નહોતા. પરિવારે ઘરનું ભાડું આપવામાં એક હજાર રૂપિયા ઓછા પડતા મકાન માલિકે પરિવારને અંદર પૂરી બહારથી તાળું મારી દીધું હતું. ઈદના પવિત્ર તહેવારમાં પરિવાર આજીજી કરતો રહ્યો અને મકાનમાલિકનો પૌત્ર તાળું મારીને જતો રહ્યો હતો.

આ ઘટના પ્રકાશમાં આવતાં અરવલ્લી કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. તેમજ મોડાસા ટાઉન પોલીસ સોસાયટીમાં હતી. તેમજ પરિવારનો છૂટકારો પણ કરાવ્યો હતો.