પાટણઃ રાધનપુર-વારાહી હાઈવે પરના ખાડાએ એક મહિલાનો ભોગ લીધો હતો. પતિ સાથે બાઇક પર જતી મહિલા અચાનક રોડ પર આવેલા ખાડાને કારણે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.


સમીના કાઠી ગામના દંપતી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ખાડાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. અચાનક હાઈવે રોડ પર ખાડો આવતા મહિલા બાઇક પરથી નીચે પટકાતા મોત થયું હતું. મૃતક મહીલાના પતિએ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી કારણે મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વારાહી પોલીસ મથકે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે ipc કલમ 304A મુજબ ગુનો દાખલ થયો છે. વારાહી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, પાલાભાઈ મકવાણા તેમના પત્ની રતનબેન સાથે સમીથી નીકળી વારાહી જતા હતા. દરમિયાન સાંજે ચાર વાગ્યે સાદપુરા ગામના પાટીયા નજીક રોડ પર પસાર થતાં હતા ત્યારે તેમની આગળ એક ટ્રક જતી હતી અને પોતે પાછળ જતા હતા. આ જ સમયે અચાનક ખાડો આવતાં બાઇક તેમાં પટકાતા પાછળ બેસેલા રતનબેન બાઇક પરથી પડી જતાં  તેમને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થતાં મૃતકના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


સુરત : પાંડેસરા વડોદ વિસ્તારમાં  મકાનની ગેલેરી ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાતના સમયે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે 108થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત થયું હતું. 


આ દુર્ઘટનામાં સચિન (ઉં.વ.21), દિપેન્દ્ર રામબહાદુર યાદવ (ઉં.વ. 16) આલોક રામબહાદુર યાદવ (ઉં.વ.21) અને સોભાન રામબહાદુર યાદવ (ઉં.વ.19) ઘાયલ થયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. 


સુરતઃ ઉત્તરાયણ અગાઉ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણ-પાલ રોડ પર એક માસુમ અગાસી ઉપરથી પટકાતા તેનું મોત થયું છે. ધોરણ 1માં માસુમ તનય પતંગ ચગાવતા બહેન અને તેના મિત્રોની નજર સામે જ નીચે પટકાયો હતો. એગ્રીકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


મળતી માહિતી અનુસાર તનય રોજ નીલકંઠ એવન્યુના તેના મિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. એની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરૂવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતા માતાએ પતંગ લાવી આપી હતી. તે બહેન અને બીજા મિત્રો સાથે ધાબા પર ગયો હતો. પરંતુ અચાનક બુમાબુમ થતા લોકો ભેગા થઈ ગયા હતા. માતાએ દોડીને જોયું તો તનય અગાસી ઉપરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. તનયને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



તનયના પિતા હિરેન પટેલે આ  રડતાં રડતાં  કહ્યું કે, મારો દીકરો તનયને પહેલી જ વાર પતંગ આપ્યો હતાો ને પહેલીવાર પતંગ ચગાવવા ગયો હતો. આ દુર્ઘટનાથી અમે તૂટી ગયા છીએ.