મહેસાણામાં વીસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રના જન્મદિવસનો વિડિયો વાયરલ થયો છે.  જેમાં કોવિડના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. સાગર પટેલે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાયક કલાકાર સાગર પટેલે ગોકુલધામમાં મોટી સંખ્યામાં મિત્રોની હાજરીમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ સાથે જ કોઈનો પણ ડર રાખ્યા વગર કેક તલવારથી કાપી હતી.


કોવીડ-19ના નિયમોનું પાલન કરવાની જગ્યાએ પુત્રના જન્મોત્સવના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે પણ હાજરી આપી હતી. આ સાથે જ સોશલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી માસ્ક વિના જ સાગર પટેલે મિત્રો સાથે ડાંસ કર્યો હતો. સાગર પટેલ ત્યાં સુધી જ ન અટક્યા તેમણે જન્મદિવસની ઉજવણીનો વિડિયો સોશલ મીડિયા પર પણ અપલોડ કર્યો છે. 


તેણે સોસાયટીમાં કેક કાપી જાહેરમાં નિયમો તોડી ઉજવણી કરી હતી. 3 જૂને જાહેરમાં બર્થડે જાહેરનામાનો ભંગ કર્યો છે. ત્યારે આ મામલે  વીસનગર શહેર પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. સાગર પટેલ જાણીતા ગાયક કલાકાર પણ છે. રાત્રિ કરફ્યૂમાં સાગર પટેલે તલવારથી અનેક કેક કાપી હતી. સાથે જ તલવારને હાથમાં ફેરવી હતી. ત્યારે હવે આ મામલે આગળ શુ કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યું. 


રાજ્યમાં કોરોના સંક્રમણના 996 કેસ


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 996 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 15   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.32  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20087 પર પહોંચ્યો છે. જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર અને 19705 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.32  ટકા છે.  


વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રએ જન્મદિવસની ઉજવણી કરી ઉડાવ્યા ગાઈડલાઈનના ધજાગરા