નવી દિલ્લી: એનજીટીએ (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ) જૂના ડિઝલ વાહનોને લઈને મોટો નિર્ણય લીધો છે. એનજીટીના નિર્ણય બાદ હવે 10 વર્ષ જૂના વાહનોનુ ડિ-રજિસ્ટ્રેશન થશે. તેનો સીધો મતલબ એ થાય છે કે રસ્તા પરથી 10 વર્ષથી વધારે જૂના ડિઝલ વાહનો હટી જશે. આ અંગે તાત્કાલિક અમલ કરવામાં આવશે.
એનજીટી તરફથી આરટીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે આવા વાહનોની જાણકારી ટ્રાફિક પોલીસને આપે અને પોલીસ કાર્યવાહી કરશે. આ સાથે જ દિલ્લીમાં શાળા અને હોસ્પિટલમાં નો હોંકિંગ ઝોન જાહેર કરવામાં આવે કે કેમ તે અંગે પણ એનજીટી જવાબ માગ્યો છે.
એનજીટીએ આ સાથે જ આદેશ આપ્યા છે કે વાહનોમાં બહારથી હોર્ન લગાડવામાં નહી આવે. દ્વિચક્રિય વાહનોમાં પણ આ નિયમ લાગુ પડશે. એનજીટીઆ કડક નિયમો બાદ ટ્રાફિક પોલીસની જવાબદારી વધી ગઈ છે.
એનજીટીએ સવાલ પણ કર્યો છે કે ડીઝલ વાહન, પેટ્રોલ વાહનોની તુલનામાં મોંઘા હોય છે. તો તેના પર રોક લગાડવામાં વાંધો શું છે.
ઉલ્લેખનીય છે કે એનજીટીમાં આજે દિલ્લી સરકારે પોતાનો જવાબ આપવાનો રહેશે. જેમાં સરકારે કહેવાનું રહેશે કે 10 વર્ષથી વધુ જૂની ડીઝલ ગાડીઓ અને 15 વર્ષથી વધુ જૂની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે કેમ.
એનજીટીએ કહ્યું હતું કે પરિસ્થિતિને જોતા દિલ્લીમાં 10 વર્ષથી વધારે જૂની ડીઝલ ગાડીઓ અને 15 વર્ષથી વધુ જૂની પેટ્રોલ ગાડીઓના પ્રતિબંધ પર વિચાર થઈ શકે છે. આ પહેલા એનજીટીએ ગત વર્ષે પણ આવો આદેશ આપ્યો હતો જેની પર પછી રોક મૂકવામાં આવી હતી.