UTTAR PRADESH : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રચાનારી નવી ભાજપ સરકારના મંત્રીમંડળના સભ્યોના નામ પર દિલ્હીમાં મહોર લાગશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને અન્ય નેતાઓ દિલ્હી જશે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ અને RSS વચ્ચે યુપીમાં નવી ભાજપ સરકારની રચનાને લઈને વાતચીત શરૂ થઈ ગઈ છે.
યોગી સરકાર-2માં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે કેમ ?
ભાજપના નેતાઓ દિલ્હીના સંકેતની રાહ જોઈ રહ્યા છે. દિલ્હીથી સંકેત મળતા જ મુખ્યમંત્રી સહિત કોર કમિટીના તમામ સભ્યો દિલ્હી જઈ શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટના નવા સભ્યોના નામ પર ભાજપ અને RSSના વરિષ્ઠ અધિકારીઓની સંમતિથી જ મહોર મારવામાં આવશે. યોગી સરકાર-2માં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે કેમ તેનો નિર્ણય પણ દિલ્હીમાં જ થશે.
નાયબ મુખ્યમંત્રી માટે આ મહિલા નેતાનું નામ ચર્ચામાં
યોગી સરકાર-2માં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે કેમ તે હજી નક્કી નથી. પણ આ તમામ બાબતો વચ્ચે બેબીરાની મૌર્યનું નામ ચર્ચામાં છે. આગ્રા ગ્રામીણના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબીરાની મૌર્યને નાયબ મુખ્યમંત્રી પદ જેવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.
નવી કેબિનેટમાં આ MLA બની શકે છે મંત્રી
યોગી સરકારની નવી કેબિનેટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, કન્નૌજથી નવા ચૂંટાયેલા સાંસદ અને પૂર્વ ADG અસીમ અરુણ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશક અને સરોજિની નગરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેશ્વર સિંહને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને MLC અરવિંદ કુમાર શર્માને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ સાથે જ નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદની સાથે યોગી સરકારની કેબિનેટમાં અપના દળના ધારાસભ્યોને પણ સ્થાન મળશે. બંને સહયોગી પક્ષોમાંથી એકથી બે મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.