પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નવેસરથી વિખવાદ શરૂ થયો છે. બુધવારે ફરી એકવાર 'G23' જૂથના નેતાઓએ બેઠક યોજી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે આયોજિત બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, અખિલેશ પ્રસાદ સિંહ, પૃથ્વીરાજ ચૌહાણ, મણિશંકર ઐયર, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, પરિણીત કૌર, શશિ થરૂર, રાજ બબ્બર, રાજિન્દર કૌર ભટ્ટલ, કુલદીપ શર્મા અને ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.


અગાઉ આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના ઘરે થવાની હતી, પરંતુ સિબ્બલે ગાંધી પરિવાર વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદન આપ્યા બાદ બેઠકનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું. આઝાદના ઘરે નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. સભામાં પહોંચેલા કોંગ્રેસના નેતા વિવેક તનખાએ જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે આ ડિનર માટે આવ્યો છું, કોઈ રાજકારણ કે બળવો નથી.


ઉલ્લેખનીય છે કે, G23 જૂથના મુખ્ય સભ્ય કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.


G23 નેતાઓની બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક બાદ પણ 'G23' જૂથના નેતાઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, સમગ્ર કોંગ્રેસમાં કોઈ પણ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કમજોર કરી શકે નહીં અને પાર્ટીના તમામ લોકો તેમની સાથે છે.


ખડગેએ કહ્યું, “તેમને (G23 જૂથના નેતાઓ) 100 બેઠકો કરવા દો. સોનિયા ગાંધીને કોઈ નબળું પાડી શકે નહીં. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે તેમની સાથે છે. આ લોકો સભાઓ કરતા રહેશે અને ભાષણો આપતા રહેશે. ખડગેએ કહ્યું, “સોનિયા ગાંધી એ તમામ પગલાં લઈ રહ્યાં છે જેની CWCમાં ચર્ચા થઈ હતી. જો તેઓ (G23) આવા નિવેદનો આપે છે તો, તેનો અર્થ એ છે કે તેઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે."