2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી અને તાજેતરમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોંગ્રેસ હવે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો સહારો લઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરે આપેલા સૂચનો પર કામ કરવા માટે વરિષ્ઠ નેતાઓની એક પેનલ બનાવી છે.


સોનિયા ગાંધીએ બનાવેલી આ કમિટીમાં દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ, પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશનો સમાવેશ થાય છે. ગઈકાલ બાદ આજે પણ 10 જનપથ ખાતે આ નેતાઓની મેરેથોન બેઠક યોજાઈ હતી. એક અઠવાડીયાની અંદર આ પેનલ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલશે.


કોંગ્રેસને 370 સીટો પર ધ્યાન આપવા સૂચનઃ
પ્રશાંત કિશોરે કોંગ્રેસને યુપી, બિહાર અને ઓડિશામાં એકલા હાથે ચૂંટણી લડવાનું સૂચન કર્યું છે. સાથે જ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન સાથે લડવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રશાંત કિશોરના સૂચન પર રાહુલ ગાંધીએ પોતાની સંમતિ આપી દીધી છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસને 2024ની ચૂંટણીમાં 370 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ સૂચન કર્યું છે.


આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મળેલી બેઠકમાં એકવાર ફરીથી પ્રશાંત કિશોર સાથે ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠક 16 એપ્રિલે અને ત્યાર બાદ બીજી બેઠક 18 એપ્રિલે યોજાઈ હતી. આ બેઠકોમાં સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આગામી દિવસોમાં આવી વધુ બે બેઠકો યોજાઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.