Rajya Sabha Election: રાજ્યસભાની ટિકિટ કપાયા બાદ કોંગ્રેસ નેતા આનંદ શર્મા ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત અને ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી છે. આનંદ શર્માએ કહ્યું કે, તેમના ભાજપમાં જોડાવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે પરંતુ તે ખોટી અને રાજકીય શરારત છે.
ભાજપની છાવણીમાંથી એવી અટકળો વહેતી કરાઈ હતી કે આનંદ શર્મા, જેઓ પહેલાથી જ પાર્ટીથી અસંતુષ્ટ છે, તેઓ રાજ્યસભાની રેસમાં પાછળ પડ્યા બાદ પક્ષ બદલી શકે છે. આનંદ શર્મા ભલે ભાજપમાં જોડાવાનો ઈન્કાર કરી રહ્યા હોય, પરંતુ તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર શર્મા કોંગ્રેસના નેતૃત્વના નિર્ણયથી ખૂબ જ દુઃખી છે.
આનંદ શર્મા પ્રેસ કોન્ફરન્સ કરશેઃ
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આનંદ શર્મા પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની આગળની રણનીતિ જાહેર કરી શકે છે. આનંદ શર્મા થોડા મહિનાઓ પછી યોજાનારી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની સંચાલન સમિતિના વડા છે.
ઉદયપુર ચિંતન શિબિર પછી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટોચના સ્તરના નિર્ણયો લેવા માટે આઠ સભ્યોની રાજકીય બાબતોની સમિતિની રચના કરી છે, જેમાં ગુલામ નબી આઝાદની સાથે આનંદ શર્માને પણ સ્થાન મળ્યું હતું. આ સમિતિમાં રાહુલ ગાંધી પણ છે.
ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) અને આનંદ શર્મા (Anand Sharma) છેલ્લા બે વર્ષથી કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓનું નેતૃત્વ કરી રહ્યા છે. જોકે હવે અસંતુષ્ટ નેતાઓની આ ટુકડી વેરવિખેર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ છે કે, રાજ્યસભાની ટિકિટ કપાયા બાદ આઝાદ અને આનંદ શર્મા શું પગલાં લેશે? ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે તાજેતરમાં જાહેર કરેલા રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોના લીસ્ટમાં આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદનું નામ નથી.