રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો અને મહિલાઓમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં એક પ્રાથમિક શાળાના શિક્ષિકાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.  રાજકોટના હડમતીયા ગોલીડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાને હાર્ટ એટેકે આવતા મોત થયું છે. શિક્ષિકાના મોતના કારણે પરિવારમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે. 


રૈયા રોડ પર અલ્‍કાપુરી નજીક શિવાજી પાર્કમાં રહેતાં શિક્ષિકાનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થયું છે. શિવાજી પાર્કમાં રહેતાં જીજ્ઞાબેન રાકેશભાઇ દેસાઇ (ઉ.વ.૪૯) સવારે 6  વાગ્‍યે ઘરે એકાએક ઢળી પડ્યા હતા.  બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ  ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબીબોએ મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. 


હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ પટેલ અને તૌફિકભાઇ જુણાચે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર જીજ્ઞાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ રાકેશભાઇ નરેન્‍દ્રભાઇ દેસાઇ સંગીતનું કામ કરે છે. જીજ્ઞાબેન હડમતીયા ગોલીડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 


પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ નથી હોતા


આપણે સોશિયલ મીડિયા પર વારંવાર વાંચીએ છીએ કે પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોય છે. આ અંગે ડૉક્ટર મનીષ કહે છે કે એવું કંઈ નથી કે બંનેમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો હોય છે.


ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટેકના લક્ષણો?


ડાયાબિટીસના દર્દીઓમાં ઘણીવાર હાર્ટ એટેકના લક્ષણો જોવા મળતા નથી. આવી સ્થિતિમાં, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, જ્યારે પણ તમને  છાતીમાં દુખાવો થવા લાગે, તો તેને અવગણ્યા વિના, સમયસર ડૉક્ટરની સલાહ લો.


હવામાનમાં ફેરફારથી પણ હાર્ટ એટેક આવે છે?


હવામાનમાં ફેરફારને કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે કે નહીં? આ માટે કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ ઘણી વખત શિયાળામાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી જાય છે. તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શિયાળામાં ઠંડીમાં બ્લડ જાડુ થઇ જતાં રક્તસંચાર ધીમો થઇ જાય છે અને ગણી વાર લોહી ગંઠાઇ જવાથી પણ આ સમસ્યા થાય છે.


છાતીમાં દુખાવો, થાક અને ચક્કર એ હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને જેઓ ડાયાબિટીસ, અસ્થમા, ફેફસાના ઇન્ફેક્શન અથવા કોઈપણ લાંબી બીમારીથી પીડિત હોય છે તેઓને શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હૃદયમાં ઓક્સિજનની અછતને કારણે લોહીને પમ્પ કરવામાં ઘણી તકલીફ પડે છે. જેના કારણે હાર્ટ એટેકથી મોતનો ખતરો વધી જાય છે.