રાજકોટ: સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સની ભેટ આપવામાં આવી છે. હાલ એઇમ્સ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગ કાર્યરત છે અને હવે આગામી સમયમાં આઇપીડી શરૂ થવાનું છે ત્યારે જરૂરિયાત મુજબ ભરતી પણ કરવામાં આવી રહી છે. તેવામાં એઈમ્સ હોસ્પિટલ ખાતે જોઈનીંગ લેટર સાથે એક યુવતી નોકરી મેળવવા જતા લેટર બોગસ હોવાનું સામે આવતા પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૂળ ઉનાના ડોક્ટરની ધરપકડ કરી છે.


રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહેતા 38 વર્ષીય જયદેવસિંહ બનેસિંહ વાળાએ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ડો. અક્ષય જાદવનું નામ આપ્યું છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રાજકોટના ખંઢેરી ગામ પાસે નવી બનતી એઈમ્સમાં ફરિયાદી એડમીન વિભાગમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત તા.20/2/23ના સવારે 11:30 વાગ્યે તેઓ ઓફિસે હતા ત્યારે સિક્યુરિટી સુપરવાઈઝર ઈન્દ્રજીતસિંહ પરમાર તેમની પાસે આવ્યા હતા અને કોઈ યુવતી આપને મળવા માટે આવી છે તેમ કહેતા ફરિયાદીએ યુવતીને ઓફિસમાં મોકલવા કહ્યું હતું.


એડમિન વિભાગમાં યુવતીએ પ્રવેશ કરી ફરિયાદીને લીલા કલરનું કવર આપ્યું હતું અને યુવતીએ કહ્યું હતું કે તેઓ નોકરી પર હાજર થવા માટે આવ્યા છે. પોતે કવર ખોલીને ચેક કરતાં તેમાંથી અખિલ ભારતીય આયુ. વિજ્ઞાન સંસ્થા રાજકોટ ગુજરાત લખેલ એઈમ્સ હોસ્પિટલના સીમ્બોલવાળો જોઈનીંગ લેટર હતો અને આપનાર યુવતી નીકીતા મુકુંદભાઈ પંચાલ લેબ ટેક્નિશિયન તરીકે નોકરી પર હાજર થવા આવી હતી. આ જોઈનિંગ લેટરમાં 16/2/23ના રોજ 36,000ના પગારવાળો લેટર જોવામાં આવ્યો હતો. જે બાબતે યુવતીને પૂછતાં રાજકોટના ડો.અક્ષય જાદવે આ લેટર આપ્યો હોવાનું અને તેઓ નિકીતાના ડોક્યુમેન્ટ તપાસી, વીડિયોગ્રાફીથી ઈન્ટરવ્યુ લઈને જોઈનિંગ લેટર તૈયાર કરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. રાજકોટ એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિત અરોરાએ સમગ્ર કોંભાડ લઈને માહિતી આપી હતી.


એઈમ્સમાં લેબ ટેક્નિશિયન તરીકે ભરતી કરવાની કોઈ સૂચના કે ઓર્ડર દિલ્હી ખાતેથી મળ્યો ન હોય આમ છતાં નિકીતાબેન લેબ ટેક્નિશિયન તરીકે હાજર થવા આવતા એડમીન વિભાગના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એમ.એસ.સી. સુધી અભ્યાસ કરેલ નીકીતાબેન પંચાલ પાસેથી એઈમ્સના લોગોવાળા બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેની ખરાઈ કર્યા બાદ તપાસના અંતે એડમીન ઓફિસરે નોકરીનું કૌભાંડ આચરનાર ડો.અક્ષય જાદવ સામે પડધરી પોલીસ મથકમાં બોગસ ડોક્યમેન્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરવા અંગેનો ગુનો નોંધાવ્યો છે. આ બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધી આરોપી ડો.અક્ષય જાદવની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ સમગ્ર મામલાને લઈને પડધરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આરોપી અક્ષયની ધરપકડ કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. લોભામણી જાહેરાતોને લઈને અનેક યુવક અને યુવતીને ભાગુ તત્વોનો ભોગ બનતા હોય છે ત્યારે આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી સંસ્થા ના બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને નોકરી આપવાનું મોટું રેકેટ ઝડપાયું છે. હાલમાં તો એક જ યુવતીને આ પ્રમાણે બોગસ ડોક્યુમેન્ટ આપ્યા હતા, સમગ્ર મામલાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.