રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સરકારના એક મંત્રી પર કરેલી ટકોર ચર્ચાનો વિષય બન્યો છે. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે રાજકોટના આટકોટ ખાતે વડાપ્રધાન મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેઓ જ્યારે રાજ્યમંત્રી રૈયાણીને મળ્યા ત્યારે ધૂણવાની ના પાડી હતી.
પહેલા વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણી સાથે હાથ મિલાવ્યો હતો બાદમાં રૂપાણીએ કહ્યું હતું કે ‘અરવિંદ તું શું ધૂણે છે?’ હસતા હસતા તેઓએ વલ્લભ કથીરિયા અને બ્રિજેશ મેરજા સાથે હાથ મિલાવ્યા હતા ત્યાં ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું કે, ‘ધૂણવાનું અને ધુણાવાનું બેય ચાલુ છે’ આ બોલી તેઓએ ફરી આ મુદ્દો ઉઠાવતા રૂપાણીએ કહ્યું હતું કે, ‘આપણે ધુણાવાના હોય આપણે થોડું ધૂણવાનું હોય’. જોકે રૂપાણીની આ કોમેન્ટનો અરવિંદ રૈયાણી કોઇ જવાબ આપી શક્યા નહોતા.
રાજ્ય સરકારમાં મંત્રી અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ધૂણતા જોવા મળ્યા હતા. ગુંદા ગામે રૈયાણી પરિવારના માંડવામાં મંત્રી રૈયાણી ધૂણ્યા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ પ્રસંગે રાજકોટ તાલુકાના ગુંદા ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીને માતાજી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે. તમને જણાવી દઈએ કે, ગુંદા ગામ અરવિંદ રૈયાણીનું મૂળ ગામ છે. આ પહેલા પણ માતાજીના માંડવા અનેકવાર રૈયાણી ધૂણ્યા હતા.
આ પણ વાંચોઃ
Money laundering case: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત, જાણો