અમરેલીઃ કોરોના વાયરસે રાજ્યને અજગરી ભરડો લીધો છે. દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન સિવાય વિકલ્પ નથી તે સમજીને સ્વયંભુ બંધ તરફ વળ્યા છે. સપ્તાહના છેલ્લા બે-ત્રણ દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉનનો દરેક શહેરમાં, ગામેગામ ટ્રેન્ડ જોવા મળ્યો છે.


અમરેલી શહેર તથા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધ્યો છે. જેને લઈ અમરેલી વેપારી મહામંડળ અને ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી એસોસિએશન, સંસ્થાઓ દ્વારા એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જેમાં દૂધની ડેરીઓ સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8, શાકભાજી અને ફ્રૂટ સવારે 6 થી બપોરે 1, કરિયાણાની દુકાનો સવારે 9 થી 1 ખુલ્લી રહેશે. ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.૩૦ એપ્રિલ સુધી સ્વયંભુ બંધનું એલાન અપાયું છે.  


પોરબંદરમાં શ્રીનાથજી હવેલીમાં તા.૩૦ એપ્રિલ સુધી વૈષ્ણવોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે, જ્યારે મનોરથની સેવા પણ બંધ રહેશે. બધા દર્શન ભીતરમાં થશે


જામજોધપુરમાં ચાર દિવસના સ્વૈચ્છિક  લોકડાઉનનો અમલ થયો હતો અને મેડીકલ સ્ટોર્સ અને દૂધની ડેરી સિવાયની તમામ દુકાનો  સજ્જડ બંધ રહી હતી. બપોરના ૨થી સવારે ૬ સુધી સળંગ બંધ રાખવા નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે.


રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર વધતા વધુ એક બજારમાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રાજકોટની સોની બજારમાં વીકેન્ડ લોકડાઉન છે. જેના કારણે 500થી વધુ દુકાનો સવારથી બંધ છે.


જસદણમાં પણ કોરોના કેસો વધતા બપોરના ૧૨ પછી દુકાનો બંધ રાખવા વિચારણા હાથ ધરાઈ છે તથા સૌરાષ્ટ્રના આ સિવાયના અનેક ગામો, શહેરોમાં સ્વૈચ્છિક બંધ શરૂ થયા છે. 


વેરાવળ સોમનાથ સૂત્રાપાડા વિસ્તારમાં જડબેસલાખ બંધ રાખવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો પાસે દંડ વસુલ કરાયો હતો. તા.૧૭થી તા.૧ મે સુધી ૧૪ દિવસ માટે બપોરે ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય થયો છે. રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ સુવિધા જ રાખવા અપીલ કરાઈ છે.


દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ધરમપુર સહિતના ગામો સ્વૈચ્છિક બંધ છે ત્યારે ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં ત્રણ દિવસનું લોકડાઉન કરીને બહારગામથી આવતા ફેરિયાઓને પણ ગામમાં પ્રવેશ નહીં આપવા નિર્ણય લેવાયો છે.


ખંભાળિયા પંથકમાં પણ સ્વૈચ્છિક બંધ થઈ રહ્યો છે, ખંભાળિયા નજીક આવેલ રામનગર, હર્ષદપુર અને શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ સાંજે ૪ પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે જે તા.૩૦ એપ્રિલ સુધી ચાલશે. 


મોટી મારડ ગ્રામ પંચાયત દ્વારા આજે  પણ સ્વયંભુ બંધ પળાશે. શનિવારે માત્ર દુધની ડેરી અને ઘંટીઓ જ ખુલી રહી હતી અને લોકોએ સ્વૈચ્છિક ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. 


Ahmedabad Coronavirus: કોરોનાનું હોટસ્પોટ બન્યું રાજ્યનું આ શહેર,  એક જ દિવસમાં 3,241 કેસ અને 25 મોતથી હાહાકાર


રાજ્યમાં દર કલાકે 397 કેસ, દર 15 મિનિટે એકનું મોત