રાજકોટ: સૌરાષ્ટ્રના બે મુખ્ય પાક કપાસ અને મગફળી છે. આ વખતે પાછોતરા વરસાદના કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાછોતરા વરસાદના કારણે અમુક ખેડૂતોનો ઉભો  કપાસ સુકાઈ ગયો તો અમુક ખેડૂતોના કપાસના ફુલ ખરી ગયા છે. ગત વર્ષે કરતા કપાસના ભાવ 250 થી 300 ઓછા મળ્યા છે. 


સૌરાષ્ટ્રમાં દર વર્ષે કપાસનું  વાવેતર વધતું જાય છે તો બીજી બાજુ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોનો કપાસ ઊભો સુકાઈ ગયો છે તો અમુક ખેડૂતોને પાછાતરા વરસાદના કારણે જિંડવા ખરી ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. રાજકોટમાં ખેડૂતોને એક મણ કપાસના 1400 થી 1500 રૂપિયા ભાવ મળે છે. 


ગયા વર્ષ કરતા કપાસના 250 થી 300 રૂપિયા ભાવ ઓછા મળી રહ્યા છે. એક બાજુ પાછોતરા વરસાદના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો બીજી બાજુ ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પાછોતરા વરસાદ પડ્યો જેના કારણે કપાસના ફુલ ખરી ગયા છે. ખેડૂતોએ કહ્યું એક વીઘે 10 થી 15 મણ કપાસનું ઉત્પાદન થશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દર વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે  પરંતુ ભાવમાં ઘટાડો છે. ખેડૂતોએ કહ્યું 1700 થી 1800 રૂપિયા મણના ભાવ મળે તો પોષણક્ષમ કહેવાય. 


આ વર્ષે કપાસની વૈશ્વિક માંગમાં પણ ઘટાડો થયો છે. હાલમાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધના કારણે પણ કપાસનો ભાવ ડાઉન થયાનો વેપારીનો અંદાજ છે. આ વખતે ભારતમાં 3 લાખ 30 હજાર ગાંસડી જેટલું કપાસનું ઉત્પાદન અંદાજ છે. પાછોતરા વરસાદના કારણે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું અંદાજ છે . ભારતના કપાસની વિશ્વ બજારમાં પણ માંગ છે પરંતુ વિશ્વના અન્ય બજારોમાં પણ કપાસનું સારું એવું ઉત્પાદન થતું હોવાના કારણે હાલમાં કપાસની માંગમાં ઘટાડો થયો છે. હાલમાં ભારતનો કપાસ સૌથી વધુ બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. વિશ્વના અન્ય દેશોમાં પણ દોરાની નિકાસ થઈ રહી છે.


બિયારણ,રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ભાવો સતત વધતા જાય છે, ત્યારે કપાસ પકવતા ખેડૂતોને એક મણના 1700 સુધી 1800 કે 2000 રૂપિયા સુધી ભાવ મળે તો પોષણક્ષમ ભાવ કહી શકાય. ગયા વર્ષે કપાસના ભાવ 1700 થી 1800 રૂપિયા હતા અને 2000 સુધી પણ ભાવ પહોંચ્યો હતો ત્યારે હાલ ખેડૂતોને ગત વર્ષ કરતા 400 થી 500 રૂપિયા ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે.