Devayat Khavad: જાણીતા લોકકલાકાર દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો બાદ દેવાયત ખવડ ભુગર્ભમાં ઉતરી ગયો છે અને જામીન માટે આગોતરા અરજી કરી છે. આજે મયુરસિંહ રાણાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં મયુરસિંહ રાણાના પરિવારજનોએ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા અને પોલીસ સાથે સાઠગાઠનો આક્ષેપ ક્યો હતો. આ ઉપરાંત સોસાયટીમાં પણ દેવાયત ખવડનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું. મયુરસિંહ રાણાના પરિવારજનોએ કહ્યું, સામાન્ય ગુનેગારો પકડાય તો દેવાયત કેમ ન પકડાય. અમે ગાંધીનગર જઇ અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને પોલીસ કમિશ્નર કચેરીએ આંદોલન કરીશું.
ધ્રાંગધ્રામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવીને કરાયો હતો વિરોધ
થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.
શું છે મામલો
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીડિત યુવકના પગ ભાંગી ગયા છે. પીડિત યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.