રાજકોટ: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 26 મૃતદેહ પહોંચ્યા છે. હજુ સુધીમાં એકપણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી.  આગ એટલી ભયંકર હતી કે, તેમાં 26ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 26 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. રાજકોટ શહેર આ ઘટનાને લઈ હચમચી ગયું છે. 


સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મૃતકો એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.  DNA ટેસ્ટ બાદ મૃતકોની ઓળખ કરવામાં આવશે.  


પોલીસે 4 લોકોની અટકાયત કરી


રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.


મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય


તો બીજી તરફ  સરકારે અગ્નિકાંડની તપાસ માટે SITની  રચના કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ  ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું


તો બીજી તરફ આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ રાહત કામગીરી માટે આદેશ આપ્યા છે. રાજકોટ કમિશ્નરને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આદેશ આપ્યા છે. સીએમએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.


ફાયર NOC વિના જ ચાલતો હતો TRP ગેમઝોન


આ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે, આપણે ભૂતકાળની ઘટનાઓથી કઈ શિખ્યા નથી. અત્યાર સુધી 24 લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.