રાજકોટમાં ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટરબોંબ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે કૉંગ્રેસે પોલીસ ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લોકો માટે ‘લોકદરબાર’ યોજવાની જાહેરાત કરી છે. કૉંગ્રેસના પ્રદેશ નેતા હાર્દિક પટેલે પોલીસ ભ્રષ્ટાચાર વિશે લોકદરબાર યોજવા સરકારને પડકાર ફેંકયો હતો ત્યારે શહેર કોંગ્રેસ લોકદરબાર જાહેર કરી દીધો છે.
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું કે રાજકોટ પોલીસનો ભ્રષ્ટાચાર ખુદ ભાજપ ધારાસભ્યએ ખુલ્લો પાડયો છે. પોલીસે સતાનો દુરુપયોગ કરીને અથવા હપ્તાખોરીથી લોકોને ખંખેર્યાના સંખ્યાબંધ કેસો હોવાનું સ્પષ્ટ છે ત્યારે આવા લોકોની વેદનાને વાચા આપવા કૉંગ્રેસે 10 ફેબ્રુઆરીએ એટલે કે ગુરુવારે બપોરે 1થી5 વાગ્યા સુધી લોકદરબાર યોજશે. કાલાવડ રોડ, યુનિવર્સિટી ગેટ પાસે નીલ સીટી કલબ ખાતેની રાજયગુરુ વાડી ખાતે આ લોકદરબાર યોજાશે. પોલીસની સતાના દુરુપયોગનો ભોગ બનેલા લોકોને લોકદરબારમાં આવવા આહવાન કર્યુ છે.
પ્રથમવાર રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રતિક્રિયા આપી
ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવેલ કટકીના આરોપો બાદ પ્રથમવાર રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રતિક્રિયા આપી છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ આજે કમિશ્નર કચેરી પહોચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા પોતાના પર લાગેવાલ આરોપો મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. .તેમણે પોતાની સામે તપાસ ચાલતી હોવાથી પ્રતિક્રિયા નહીં આપવાની સ્પષ્ટતા કરી હતી. સાથે જ દાવો કર્યો કે અદાલતના કામે બે દિવસ અમદાવાદ ગયા હતા. રાજકોટમાં ગુનાખોરી અંકુશમાં હોવાનો અને અધિકારીઓ મહેનતું હોવાનો તેમણે દાવો કર્યો છે.
ગુજરાતના ગૃહ વિભાગે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્યના પોલીસ વડા પાસે અગ્રવાલ સામેના આક્ષેપો અંગે રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોલીસ વડા દ્વારા રિપોર્ટ સોપવામાં આવશે.
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં વસૂલવા માટે ટકાવારી ખાતા હોવાનો આક્ષેપ કર્યો તેના પગલે આ આદેશ અપાયો છે. રાજકોટના ધારાસભ્ય અને ભાજપના અગ્રણી દ્વારા પોલીસ કમિશનર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરતાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અગ્રવાલે ડૂબેલા નાણ વસૂલવા માટે બિઝનેસમેન પાસેથી 75 લાખ રૂપિયા લઈ લીધા અને વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન ચાલુ છે. પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રીને હર્ષ સંઘવીને પત્ર લખીને આ આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે.