Ganesh Gondal: જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું આજે ગોંડલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના વતન ગોંડલમાં પરત ફરતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને ઢોલ-નગારાના તાલે અને ફટાકડા ફોડીને ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક મહિલા અગ્રણીઓ પણ આ સ્વાગત સમારોહમાં જોડાયા હતા. ગણેશ ગોંડલના આગમનથી ગોંડલમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.



નોંધનીય છે કે, હાલમાં જ યોજાયેલ ગોંડલ નાગરિક બેંકની બહુચર્ચિત ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. બીજી તરફ, કોંગ્રેસના યતિષભાઈ દેસાઈની પેનલને કારમી હાર નો સામનો કરવો પડ્યો હતો.





આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનો પણ વિજય થયો હતો. આ ઘટના ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.





ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલને સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં જેલમાં હતા. ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યાં છે. નોંધનીય છે કે, ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી હતી. છેલ્લા ચાર મહિનાથી અપહરણ અને હત્યાના પ્રયાસમાં ગણેશ જેલમાં બંધ હતો.