રાજકોટ: રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટા, જેતપુર અને ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામના લોકોનો દાવો છે કે 2 દિવસમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે. આસપાસના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો. જૂનાગઢ રોડ, એમજી રોડ, ખોડપરામાં વરસાદ વરસ્યો છે.આ સાથે જ ચાંદનીચોક, નવાગઢ, દેસાઈ વાડી વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં વરસાદ
બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ, બરવાળા અને ગઢડા પંથકમાં વરસાદ શરુ થયો છે. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરુઆત થઈ છે. બોટાદ શહેર તેમજ તાલુકાના સમઢીયાળા, શેરથળી, પાળીયાદ, ગોરડકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
બરવાળા શહેર તેમજ તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ