Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનો પ્રારંભ થઈ રહ્યો છે. ગઈકાલે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ સભાઓ ગજવી હતી, આજથી પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેના પર નિશાન સાધ્યું છે.


શું કહ્યું રૂપાણીએ


ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું,  મેધા પાટકર એ વ્યક્તિ હતી જેણે નર્મદા ડેમ પ્રોજેક્ટ પૂર્ણ થવા દીધો ન હતો, તેણે તેનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહોતો. હવે પાટકર ભારત જોડો યાત્રામાં જોડાયા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ છે, જે તેમનો સાચો ચહેરો છે.






ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.


ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ 10 ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની 39 રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.


ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ 57 ઉમેદવારો બીએસપી દ્વારા અને 14 ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા 10 ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉભા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે 339 ઉમેદવારો છે.જેમાં 35 મહિલાઓ છે અને 304 પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના 89 ઉમેદવારોમાં 9 મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના 89 ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના 88 ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને 65 રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ 182 બેઠકો સામે જ્યાં 1828 ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં 89 બેઠકો સામે 788 ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.