રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના એક ગામમાં લોકોએ રસી  લેવાનો ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓ સહિત ગામના આગેવાનો અને ભુવાની પણ વાત માનવા લોકોએ ઇનકાર કરી દીધો હતો. જેને કારણે આરોગ્ય વિભાગે રસી આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. 


આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના વડાળી ગામમાં લોકો રસી ન લેતા હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી ગામની મુલાકાતે ગયા હતા. આ ગામમાં 600 લોકો રસીને લાયક છે. જોકે, તેમાંથી માત્ર 53 લોકોએ જ રસી લીધી છે. જોકે, અન્ય લોકો રસી લેવા માટે ઇનકાર કરી રહ્યા છે. 


આરોગ્ય અધિકારી અને આરોગ્યની ટીમ ઉપરાંત સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનોએ પણ લોકોને રસી લેવા સમજાવ્યા હતા. આમ છતાં પણ લોકો રસી લેવા તૈયાર ન થયા નહોતા. ગામલોકો ધાર્મિક પ્રવૃત્તિવાળા હોવાથી આરોગ્ય અધિકારીએ ભુવાને પણ બોલાવ્યા હતા. જેથી ભુવાએ લોકોના હીતમાં હોવાથી રસી લેવાનું કહ્યું હતું. જોકે, લોકોએ ભુવાની વાત માનવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેમજ માતાજી રક્ષા કરે જ છે, તેમ કહ્યું હતું. 


આરોગ્ય અધિકારી અને ટીમે ખૂબ વિનંતી કરવા છતાં પણ લોકો રસી લેવા તૈયાર થયા નહોતા. એટલું જ નહીં, ગામના સરપંચે પણ રસી લેવાનો ઇનકાર કરી દીધો હતો. સરપંચે કહ્યું કે મરી જઈશ પણ રસી નહીં લઉં. આમ, લોકો તૈયાર ન થતા આરોગ્યની ટીમ રસી આપ્યા વગર જ પરત ફરી હતી.