ધોરાજીઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Coronavirus)કહેર મચાવ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન ખૂબ જ સંક્રામક હોવાથી આખા પરિવારને તેની ઝપેટમાં લઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયા (Congess MLA Lalit Vasoya)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીનેમોટું નિવેદન આપ્યું છે.
મારી ભુલથી મારો પરિવાર સંક્રમિત થયો
તેમણે કહ્યું, કોરોના આવ્યો ત્યારે કોરોનાની કોઈ ગાઈડલાઈનનું (Corona Guideline) મે પાલન નથી કર્યુ. ગૃહ અધ્યક્ષ વારંવાર ટકોર કરે પણ માસ્ક ન પહેર્યુ. બીજી લહેરમાં હું ઝપેટમાં આવ્યો. મારી ભુલથી મારો પરિવાર સંક્રમિત થયો. હું લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરું છું.
બધે જ લાઈનો લાગે છે
હોસ્પિટલમાં રૂમમાં એકલા રહેવામાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે. હું કહું છું કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો. જરૂર સિવાય બહાર ન નિકળો. સરકાર અને તંત્રની બહુ ભુલો છે પણ ટીકા કરવાનો સમય નથી. ઈન્જેક્શન સહિત બધામાં લાઈનો લાગે છે કરૂણ સ્થિતિ છે. આપણે જ આપણા પરિવારને બચાવી શકીએ. હોસ્પિટલમાં દાખલ થવા માટે લોકો રડે છે, હોસ્પિટમાં હતો બનતા પ્રયત્નો કરી 40 થી લોકોને દાખલ કરાવી શક્યો છું. ઘણાં લોકો મારાથી નારાજ થયા હશે, તંત્ર અને અધિકારીઓ ઘણું કામ કરે છે.
ડે.કલેકટરના વખાણ કરું છું...
હું ખાનગી હોસ્પિટમાં સારવાર હેઠળ હતો, સંચાલકે રાત્રે ઉઠાડ્યો, ઓક્સિજન સપ્લાય આજે થવાની નથી. 27 દર્દીઓ ઓક્સિજન પર છે, મારી પાસે ફક્ત 15 બોટલ છે શું કરીશ. સંચાલક રડી ગયા. એડિ.કેલેક્ટરને ફોન કર્યો તો આશ્વાસન આપ્યું વ્યવસ્થા કરાવું છું. ડે કલેક્ટરને ઘણી વાર ખરી ખોટી કરૂ છું, પણ વખાણ કરું છું કે રાત્રે ધોરાજીમાં ફરી 21 બોટલ ઓક્સિજનની ભેગી કરી આપી.
જીલ્લા ગામ વિકાસ એજન્સીના નિયામક જે કે પટેલ બીજા સપ્લાયરને દબાવી ખાનગી હોસ્પિટલમાં બાટલા ન પહોંચ્યા ત્યાં સુધી રાતે જાગ્યા. હું તમામ અધિકારીઓને સેલ્યુટ કરૂ છું, આભાર માનું છું. સારી કામગીરીની કદર આપણે કરવી જોઈએ. સૌને વિનંતી સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો, પરિવારને તકલીફ પડે છે તે મેં જોઈ છે, હોસ્પિટલમાં આરામમાં છું. ધોરાજી ઉપલેટાના કોરોના દર્દીઓની ચિંતા કરી છે, ભાજપના મિત્રો પણ પ્રયત્ન કરે છે કે કોવિડ હોસ્પિટલ ચાલુ થાય. આરોગ્ય મંત્રી સાથે વાત કરી, તેમણે ઉપલેટામાં તાકીદે હોસ્પિટલ ચાલુ થાય તેની સૂચના અને ખાત્રી આપી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.